38 ઓવર કરી ભારતના સ્પિનર્સે ICC વન-ડે નૉકઆઉટમાં. એક ઇનિંગ્સમાં સ્પિનર્સ દ્વારા સૌથી વધુ ઓવર્સનો રેકૉર્ડ બન્યો
રોહિતનું એલાન : હું રિટાયર નથી થઈ રહ્યો
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ત્રણ વાર ચૅમ્પિયન બનનાર પહેલી ટીમ બની ટીમ ઇન્ડિયા- કુલદીપ યાદવ-વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લઈને પહેલી ઇનિંગ્સમાં વાપસી કરાવી, ટાર્ગેટ ચેઝ કરતી વખતે રોહિત શર્માની ધમાકેદાર બૅટિંગ બાદ શ્રેયસ ઐયર અને કે. એલ. રાહુલે ટીમને ધરાશાયી થતી બચાવી લીધી
દુબઈમાં આયોજિત ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડને ચાર વિકેટે હરાવીને ભારતીય ટીમ ચૅમ્પિયન્સ બની છે. વર્ષ ૨૦૦૨, ૨૦૧૩ અને ૨૦૨૫માં ચૅમ્પિયન્સ ટ્રોફી ત્રણ વાર જીતનાર ભારતીય ટીમ પહેલી બની છે. કિવી ટીમે ૫૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને માંડ-માંડ ૨૫૧ રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં પડકારોનો સામનો કરીને ભારતે ૪૯ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૫૪ રન ફટકારીને ૨૫૨ રનનો ટાર્ગેટ ચેઝ કરી બતાવ્યો. ૨૦૧૧ના વન-ડે વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમે પહેલી વાર કોઈ ICC વન-ડે ટ્રોફી જીતી છે.
ADVERTISEMENT
ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલા ન્યુ ઝીલૅન્ડના ઓપનર્સ રચિન રવીન્દ્ર (૨૯ બૉલમાં ૩૭ રન) અને વિલ યંગે (૨૩ બૉલમાં ૧૫ રન) ૫૭ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી, પણ ભારતના સ્પિનર્સ કુલદીપ યાદવ (૪૦ રનમાં બે વિકેટ) અને વરુણ ચક્રવર્તી (૪૫ રનમાં બે વિકેટ)એ પાંચ ઓવર્સની અંદર કિવીઓને બૅકફુટ પર મોકલી દીધા હતા. ૭.૫થી ૧૨.૨ ઓવરની વચ્ચે ૧૮ રનની અંદર ત્રણ ટૉપ ઑર્ડર બૅટર્સની વિકેટ ગુમાવતાં ન્યુ ઝીલૅન્ડનો સ્કોર ૭૫/૩ થયો હતો.
બે સેન્ચુરીની મદદથી ૨૬૩ રન કરીને ૩ વિકેટ લેનાર રચિન રવીન્દ્ર બન્યો પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ.
૧૦૧ બૉલમાં ૬૩ રનની ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમનાર ડેરિલ મિચલે આ સમયમાં ત્રણ મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં સહયોગ આપ્યો હતો. તેણે ટૉમ લૅધમ (૩૦ બૉલમાં ૧૪ રન) સાથે ચોથી વિકેટ માટે ૩૩ રન, ગ્લેન ફિલિપ્સ (બાવન બૉલમાં ૩૪ રન) સાથે પાંચમી વિકેટ માટે ૫૭ રન અને માઇકલ બ્રેસવેલ (૪૦ બૉલમાં ૫૩ રન) સાથે છઠ્ઠી વિકેટ માટે ૪૬ રનની ભાગીદારી કરી હતી.
કિવી ટીમની બૅટિંગ સમયે ફાઇનલ મૅચની રસાકસીને કારણે મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રોહિત શર્મા અને શુભમન ગિલે કૅચ ડ્રૉપ કર્યા હતા. મોહમ્મદ શમીએ નવ ઓવરમાં એક વિકેટ લઈને ૭૪ રન આપીને ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તરફથી સૌથી મોંઘા સ્પેલના લિસ્ટમાં એન્ટ્રી કરી હતી.
૨૫૨ રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલા ભારતના ઓપનર્સ રોહિત શર્મા (૮૩ બૉલમાં ૭૬ રન) અને શુભમન ગિલે (૫૦ બૉલમાં ૩૧ રન) પહેલી વિકેટ માટે ૧૧૨ બૉલમાં ૧૦૫ રનની શાનદાર ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. આ સીઝનમાં ૧૦૦ રનની આ પહેલી ઓપનિંગ પાર્ટનરશિપ હતી. ૭ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૭૬ રનની ઇનિંગ્સ રમનાર રોહિત શર્મા જ્યારે આઉટ થયો ત્યારે ટીમે ૨૬ ઓવરમાં ૧૨૨ રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી હતી.
અહીંથી શ્રેયસ ઐયરે (૬૩ બૉલમાં ૪૮ રન) ચોથી વિકેટ માટે અક્ષર પટેલ (૪૦ બૉલમાં ૨૯ રન) સાથે ૬૧ રનની પાર્ટનરશિપ કરીને ટીમની ઇનિંગ્સ સંભાળી હતી. કિવી ટીમના સ્પિનર મિચલ સૅન્ટનર (૪૬ રનમાં બે વિકેટ) અને માઇકલ બ્રેસવેલ (૨૮ રનમાં બે વિકેટ) જ્યારે એક તરફથી વિકેટ લઈ રહ્યા હતા ત્યારે વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલે (૩૩ બૉલમાં ૩૪ રન અણનમ) નાની-નાની પાર્ટનરશિપ કરીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. ૪૯મી ઓવરના છેલ્લા બૉલ પર રવીન્દ્ર જાડેજાએ (૬ બૉલમાં નવ રન અણનમ) વિનિંગ ચોગ્ગો ફટકારીને ટીમને યાદગાર જીત અપાવી હતી.
38 ઓવર કરી ભારતના સ્પિનર્સે ICC વન-ડે નૉકઆઉટમાં. એક ઇનિંગ્સમાં સ્પિનર્સ દ્વારા સૌથી વધુ ઓવર્સનો રેકૉર્ડ બન્યો.
ગઈ કાલે ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ સ્ટમ્પથી દાંડિયા રમીને જીતની ઉજવણી કરી રહેલા રોહિત અને વિરાટ. ટ્રોફી હાથમાં આવ્યા બાદ આખી ટીમ ખુશીથી ઝૂમી ઊઠી હતી.

