બંગલાદેશને ૨૩૩ રને આૅલઆઉટ કરીને ભારતીય ટીમે ૨૮૫ રને ઇનિંગ્સ ડિક્લેર કરી : બીજી ઇનિંગ્સમાં બંગલાદેશ બે વિકેટે ૨૬, હજી ૨૬ રન પાછળ, ૨૧મી સદીમાં પહેલી વાર કોઈ ટીમે ૩૫ ઓવરમાં ટેસ્ટની પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી
વિરાટ કોહલી અને કે. એલ. રાહુલ ગઈ કાલે બંગલાદેશ સામેની બીજી ટેસ્ટ-મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન એકસરખી બૅટિંગ-સ્ટાઇલની મસ્તી કરતા જોવા મળ્યા હતા
કાનપુરમાં ભારત અને બંગલાદેશની બીજી ટેસ્ટના ચોથા દિવસે કોઈ પણ વિઘ્ન વગર રમતની શરૂઆત થઈ હતી. સતત બે દિવસ આરામ કરનાર બન્ને ટીમોએ ચોથા દિવસની રમત દરમ્યાન ૮૫ ઓવરમાં ૧૮ વિકેટ ગુમાવી અને ૪૩૭ રન ફટકાર્યા હતા. બંગલાદેશે ૩૫મી ઓવરમાં ૧૦૭/૩ના સ્કોરથી શરૂઆત કરીને ૭૪.૨ ઓવર સુધીમાં ઑલઆઉટ થઈને ૨૩૩ રન ફટકાર્યા હતા. ભારતીય ટીમે T20 ક્રિકેટના અંદાજમાં પોતાની પહેલી ઇનિંગ્સમાં નવ વિકેટે ૨૮૫ રન ફટકારીને બાવન રનની લીડ મેળવી હતી. ચોથા દિવસના અંતે બંગલાદેશે બીજી ઇનિંગ્સમાં ૧૧ ઓવરમાં બે વિકેટે ૨૬ રન ફટકાર્યા હતા. મહેમાન ટીમ હજી યજમાન ટીમથી ૨૬ રન પાછળ છે.
૨૮૫ રનનો સ્કોર ભારતીય ટીમે પહેલી ઇનિંગ્સમાં ડિક્લેર કરેલો તેમનો લોએસ્ટ સ્કોર હતો. આ પહેલાં ભારતીય ટીમે ૧૯૪૯માં ૨૯૧/૯ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. ૨૧મી સદીમાં પહેલી વાર કોઈ ટીમે ૩૫ ઓવરમાં ટેસ્ટની પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી છે. ભારતીય ટીમે ૩૪.૪ ઓવરમાં ઇનિંગ્સ ડિક્લેર કરીને બંગલાદેશને બીજી ઇનિંગ્સમાં બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમ તરફથી યશસ્વી જાયસવાલ (૭૨ રન) અને કે. એલ. રાહુલ (૬૮ રન)એ મોટી ઇનિંગ્સ રમી હતી, જ્યારે બોલિંગમાં બન્ને ઇનિંગ્સમાં હમણાં સુધી આર. અશ્વિને સૌથી વધુ ચાર વિકેટ ઝડપી છે. બંગલાદેશ તરફથી મોમિનુલ હકે ૧૦૭ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.