લંચ બ્રેક પહેલાં જ બન્ને ટીમ સ્ટેડિયમ છોડીને હોટેલ પહોંચી ગઈ હતી, આજે પણ ત્રીજા દિવસની રમત બગડવાની શક્યતા
ગ્રીન પાર્ક સ્ટેડિયમને વરસાદથી બચાવતા ગ્રાઉન્ડ્સમેન.
ભારત અને બંગલાદેશ વચ્ચેની બીજી ક્રિકેટ-ટેસ્ટનો બીજો દિવસ સતત વરસાદને કારણે એક પણ બૉલ ફેંકાયા વિના રદ થયો છે. સવારે હળવા ઝરમર વરસાદ બાદ ભારે વરસાદ શરૂ થયો હતો જેના કારણે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બીજા દિવસે કોઈ રમત રમાઈ શકી નહોતી. ભારે વરસાદને જોતાં બન્ને ટીમ લગભગ ૧૦.૩૦ વાગ્યાની આસપાસ સ્ટેડિયમ છોડીને હોટેલ પહોંચી ગઈ હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કર્યો હતો જેમાં ભારતીય ક્રિકેટર્સ ફુટવૉલી રમતા જોવા મળ્યા હતા.
ગ્રાઉન્ડ્સમેને સવારે ૧૧.૧૫ વાગ્યાની આસપાસ વરસાદ બંધ થયા બાદ મેદાનમાંથી પાણી કાઢવાની શરૂઆત કરી હતી, પણ પ્રકાશ સ્પષ્ટ નહોતો એથી રમત સત્તાવાર રીતે બપોરે ૨.૧૫ વાગ્યે રદ કરવી પડી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે પણ વરસાદની સંભાવના છે, પરંતુ સોમવાર અને મંગળવારે આકાશ સ્વચ્છ રહેવાની સંભાવના છે. આવી સ્થિતિમાં મૅચ ડ્રૉ તરફ જતી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
પ્રથમ દિવસે બંગલાદેશે ત્રણ વિકેટે ૧૦૭ રન બનાવ્યા હતા જ્યારે વરસાદના કારણે માત્ર ૩૫ ઓવર જ થઈ શકી હતી. બંગલાદેશી કૅપ્ટનને આઉટ કરીને ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિન (૪૨૦ વિકેટ) એશિયામાં સૌથી વધુ ટેસ્ટ-વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. આ પહેલાં આ રેકૉર્ડ અનિલ કુંબલે (૪૧૯ વિકેટ)ના નામે હતો. કુંબલેએ ૮૨ ટેસ્ટમાં જ્યારે અશ્વિને ૭૧ ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી છે. એશિયામાં સૌથી વધુ ટેસ્ટ-વિકેટ લેવાનો રેકૉર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે, જેણે ૯૭ ટેસ્ટમાં ૬૧૨ વિકેટ ઝડપી હતી.