ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આજે ત્રીજી T20 મૅચ રમાશે
પ્રતીકાત્મક તસવીર
આજે હોબાર્ટમાં ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે પાંચ મૅચની સિરીઝની ત્રીજી T20 મૅચ રમાશે. ઑસ્ટ્રેલિયાએ અહીં રમેલી અત્યાર સુધીની પાંચેય T20 મૅચ જીતી છે, જ્યારે ભારત પહેલી વાર આ મેદાન પર T20 ફૉર્મેટની મૅચ રમશે. હોબાર્ટમાં ભારત ફેબ્રુઆરી ૨૦૧૨ સુધી પાંચ વન-ડે મૅચ જ રમ્યું છે જેમાં ત્રણ જીત અને બે હાર મળી હતી. હોબાર્ટનું મેદાન બૅટિંગ માટે અનુકૂળ રહ્યું છે. અહીં સરેરાશ રન-રેટ ૮.૧૯નો રહ્યો છે.
મેલબર્નની મૅચના હીરો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે ઍશિઝ ટેસ્ટ-સિરીઝની તૈયારી માટે હવે બ્રેક લીધો છે એટલે ભારતીય બૅટર્સ ૦-૧થી પાછળ રહેલી આ સિરીઝમાં ધમાકેદાર બૅટિંગ કરીને વાપસી કરવાનો ટાર્ગેટ રાખશે. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને વાઇસ-કૅપ્ટન શુભમન ગિલના બૅટિંગ-પ્રદર્શનની સાથે સૌની નજર ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન પર રહેશે. ભારતના નંબર-વન T20 બોલર અર્શદીપ સિંહને ન રમાડવાને કારણે ભારતીય ટીમ મૅનેજમેન્ટને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે.


