નૅથન લાયને લીધી પાંચ વિકેટ, ઑસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સમાં એક વિકેટે બનાવ્યા ૬૧ રન

રવિચન્દ્ર અશ્વિન સાથે હાફ-સેન્ચુરીની ઉજવણી કરતો અક્ષર પટેલ
ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટના બીજા દિવસે અક્ષર પટેલ અને રવિચન્દ્રન અશ્વિન વચ્ચે આઠમી વિકેટ માટે થયેલી ૧૧૪ રનની પાર્ટનરશિપને કારણે ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સની લગોલગ પહોંચવામાં સફળ થઈ હતી. અક્ષરે ૧૧૫ બૉલમાં ૭૪ રન અને અશ્વિને ૭૧ બૉલમાં ૩૭ રન કર્યા હતા, જેને કારણે એક સમયે ૧૩૯ રનમાં ૭ વિકેટ ગુમાવનાર ભારત ઑસ્ટ્રેલિયાના ૨૬૩ રનના જવાબમાં માત્ર એક રન પાછળ ૨૬૨ રન કરી શક્યું હતું. રમતનો સમય પૂરો થયો ત્યારે ઑસ્ટ્રેલિયાએ બીજી ઇનિગ્સમાં એક વિકેટે ૬૧ રન કરી ૬૨ રનની લીડ મેળવી લીધી હતી. જો આ બન્ને ભારતીય ઑલરાઉન્ડર ખેલાડીઓએ લડત આપી ન હોત તો દિલ્હીના ફિરોજશા કોટલા મેદાનમાં કદાચ ઑસ્ટ્રેલિયા વધુ ખુશ થાત.
લાયનની પાંચ વિકેટ
હેલ્મેટ પર બૉલ વાગવાને કારણે ડેવિડ વૉર્નરને બદલે ઓપનિંગ કરવા આવેલા ટ્રેવિસ હેડ (૩૯ રન) અને માર્નલ લબુસેને (૧૬) ભારતીય સ્પિનર સામે ડિફેન્સને બદલે આક્રમણ કરવાનું પસંદ કર્યું હતું. છેલ્લી કેટલીક ટેસ્ટમાં જાડેજા, અશ્વિન અને અક્ષર જેવા ખેલાડીઓ ટોચના બૅટરો નિષ્ફળ જાય ત્યારે મોરચો સંભાળે છે. ઑસ્ટ્રેલિયાના સ્પિનરો સામે આક્રમક રમવું કે ડિફેન્સિવ એવી દ્વિધામાં ભારતના ટોચના ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા. નૅથન લાયને ૨૯ ઓવરમાં ૬૭ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી તેમ જ તેણે આવી સિદ્ધિ બાવીસમી વખત મેળવી હતી. પિચમાં કોઈ મોટી ખામી નહોતી માત્ર અમુક જગ્યાએ તિરાડ પડી હતી, જેને કારણે બૉલ નીચે રહેતો હતો. કૅપ્ટન રોહિત શર્માને બાદ કરતાં મોટા ભાગના ભારતીય બૅટરો પગ વડે ડિફેન્સ કરવાના પ્રયત્ન કરતાં પણ નિષ્ફળ રહ્યા હતા. અક્ષર અને અશ્વિને બૉલર સામે આક્રમક રમવાની પદ્ધતિ અપનાવી હતી. તેમણે ૧૮ ઓવરમાં બે વિકેટ લેનાર ટોડ મર્ફી અને પહેલી મૅચ રમી રહેલા સ્પિનર મૅથ્યુ કુહનેમન (૭૨ રન આપીને ૨ વિકેટ) સામે રન ફટકાર્યા હતા.
બૉલ પહેલાં બૅટને વાગ્યો કે પૅડને ? કમનસીબ રહ્યો કોહલી.
કોહલીનો વિવાદ
ગઈ કાલે કોહલી (૪૪ રન) સારા ફૉર્મમાં દેખાતો હતો, પરંતુ કુહનેમનની ઓવરમાં તેને એલબીડબ્લ્યુ આઉટ આપવામાં આવ્યો. તેણે રિવ્યુ લીધો, જેમાં સ્પષ્ટ નહોતું થતું કે બૉલ પહેલાં પૅડ પર લાગ્યો કે બૅટ પર. બન્ને જગ્યાએ એકસાથે લાગ્યો હોય એવું લાગતુ હતું. આવા સંજોગમાં શંકાનો લાભ બૅટરને આપવાને બદલે થર્ડ અમ્પાયરે અમ્પાયર્સ કૉલ આપ્યો. આમ તેને આઉટ જાહેર કરાયો. તે ડ્રેસિંગ રૂમમાં પણ ભારે નિરાશ દેખાતો હતો.
પૂજારા ૧૦૦મી ટેસ્ટમાં ઝીરો
૧૦૦મી ટેસ્ટ રમી રહેલા પૂજારા પાસે એક મોટી ઇનિંગ્સની આશા હતી. એક જીવનદાન મળ્યું હોવા છતાં તે અસફળ રહ્યો. ઑસ્ટ્રેલિયાના સ્પિનર નૅથન લાયને તેને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. ૧૦૦મી ટેસ્ટમાં ઝીરો પર આઉટ થનાર તે દિલીપ વેંગસરકર બાદ બીજો ભારતીય તો કુલ આઠમો ક્રિકેટર હતો.
વૉર્નર ટેસ્ટમાંથી બહાર
શુક્રવારે મોહમ્મદ સિરાજની બાઉન્સર હેલ્મેટ પર વાગતાં ડેવિડ વાર્નર ઈજાગ્રસ્ત થયો હતો. થોડો સમય તો તેણે બૅટિંગ ચાલુ રાખી હતી, પરંતુ બાદમાં પૅવેલિયન જતો રહ્યો હતો. મેડિકલ ચેક-અપ બાદ તેને ટેસ્ટમાંથી બહાર રાખવાની સલાહ આપવામાં આવી છે. વૉર્નરને બદલે મૅટ રેનસોને ટીમમાં સામેલ કરવામાં
આવ્યો છે.