વરસાદનાં વિઘ્નો વચ્ચે પાંચ રનના તફાવતથી આયરિશો જીત્યા ઃ ઇંગ્લૅન્ડ માટે આજે ઑસ્ટ્રેલિયા સામેની મૅચ ‘કરો યા મરો’
એક તરફ હતાશા, બીજી બાજુ હર્ષોલ્લાસ બુધવારે મેલબર્નમાં વરસાદના વિઘ્ન વખતે હતાશ થઈને પાછો આવી રહેલો ઇંગ્લૅન્ડનો કૅપ્ટન જૉસ બટલર (ડાબે) અને મેઘરાજનાં વિઘ્નો પછી ઇંગ્લૅન્ડને હરાવીને અપસેટ સર્જવામાં સફળ થયેલા આયરલૅન્ડના ખેલાડીઓએ નજીકના સ્ટૅન્ડમાં ઊભા રહેલા ચાહકો પાસે જઈને જીત સેલિબ્રેટ કરી હતી. તસવીર એ.પી.
ક્રિકેટમાં આયરલૅન્ડની ‘અન્ડરડૉગ’ તરીકેની છાપ હવે ભૂંસાઈ રહી છે. એણે મેલબર્નમાં બુધવારે ૨૦૧૦ના ચૅમ્પિયન ઇંગ્લૅન્ડની ધરખમ ટીમને બીજી વાર વર્લ્ડ કપમાં પરાજય ચખાડ્યો હતો. વરસાદનાં વિઘ્નોવાળી આ મૅચમાં ઇંગ્લૅન્ડ કરતાં આયરલૅન્ડની ટીમ વધુ સમજદારીપૂર્વક રમી હતી અને દિલધડક મુકાબલામાં ફક્ત પાંચ રનના માર્જિનથી ઇંગ્લૅન્ડને વિજયથી વંચિત રાખ્યું હતું અને પોતે મહત્ત્વના બે પૉઇન્ટ મેળવ્યા હતા. પરાજય બાદ ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉસ બટલરે કહ્યું કે ‘આ પરાજયથી અમને બહુ મોટો આઘાત લાગ્યો છે. આવા દિવસો ખૂબ નિરાશ કરી મૂકનારા બની જાય છે. આવા પરાજયને ભૂલીને આગળ વધવાનો અભિગમ રાખવામાં આવશે, પણ આજે જે આઘાત લાગ્યો છે એ અસહ્ય છે. આ આઘાત ખાસ કરીને એને માટે લાગ્યો છે કે અમે આયરલૅન્ડ સામે હારી ગયા.’
આયરલૅન્ડ સામે ત્રીજી હાર
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડ સામે આયરલૅન્ડનો આ ત્રીજો વિજય છે. એમાંની બે જીત વર્લ્ડ કપમાં મેળવી છે. ૧૧ વર્ષ પહેલાં (માર્ચ, ૨૦૧૧માં) બૅન્ગલોરમાં ઍન્ડ્રયુ સ્ટ્રાઉસની બ્રિટિશ ટીમ સામે વિલિયમ પોર્ટરફીલ્ડના સુકાનમાં આયરલૅન્ડે તાજેતરમાં નિવૃત્ત થયેલા કેવિન ઓબ્રાયનના ૧૧૩ રનની મદદથી ૩૨૫-પ્લસનો ટાર્ગેટ (૪૯.૧ ઓવરમાં ૩૨૯/૭) મેળવીને નવો ઇતિહાસ રચ્યો હતો. આયરલૅન્ડે એક વાર ઇંગ્લૅન્ડને વિશ્વકપ સિવાયના ઇન્ટરનૅશનલ મુકાબલામાં પણ હરાવ્યું હતું.
કૅપ્ટન બાલબર્ની મૅન ઑફ ધ મૅચ
બુધવારે આયરલૅન્ડે બૅટિંગ મળ્યા બાદ સારી શરૂઆત કરી હતી. પીઢ ઓપનર પૉલ સ્ટર્લિંગ (૧૪) ફક્ત ૨૧ રનના ટીમ-સ્કોર પર આઉટ થઈ ગયો હતા, પરંતુ કૅપ્ટન ઍન્ડી બાલબર્ની (૬૨ રન, ૪૭ બૉલ, બે સિક્સર, પાંચ ફોર) અને વિકેટકીપર લૉર્કેન ટકર (૩૪ રન, ૨૭ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ની જોડીએ સ્કોરને ૧૦૦ રનને પાર કરાવ્યો હતો. ત્યાર બાદ સમયાંતરે વિકેટ પડતી રહી હતી અને ૧૯.૨ ઓવરમાં ૧૫૭ રન પર ટીમની ઇનિંગ્સ પૂરી થઈ હતી. માર્ક વુડ અને લિઆમ લિવિંગસ્ટને ત્રણ-ત્રણ અને સૅમ કરૅને બે વિકેટ લીધી હતી.
ઇંગ્લૅન્ડને ડકવર્થ/લુઇસ મેથડના આધારે ૧૪.૩ ઓવરમાં ૧૧૧ રન બનાવવાનું કહેવાયું હતું, પરંતુ ખુદ કૅપ્ટન-વિકેટકીપર બટલરે ઇનિંગ્સના બીજા જ બૉલમાં વિકેટ ગુમાવતાં ઇંગ્લૅન્ડની ટીમે પરાજયની દિશામાં જવાની શરૂઆત કરી દીધી હતી. ડેવિડ મલાનના ૩૫ રન ટીમમાં હાઇએસ્ટ હતા અને આયરલૅન્ડના ૬ બોલર્સે તમામ બ્રિટિશ બૅટર્સને અંકુશમાં રાખ્યા હતા અને ૨૦૧૦માં પૉલ કૉલિંગવુડના સુકાનમાં ટ્રોફી જીતનાર ઇંગ્લૅન્ડની આ વખતની ટીમે આયરલૅન્ડ સામે ખૂબ ખરાબ પર્ફોર્મ કર્યું અને આ ટીમ નિર્ધારિત ૧૪.૩ ઓવરમાં પાંચ વિકેટે ૧૦૫ રન બનાવી શકતાં પાંચ રનથી હારી ગઈ હતી. લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જૉશ લિટલે બે વિકેટ તેમ જ બેરી મૅકાર્થી, ફિઓન હૅન્ડ અને જ્યૉર્જ ડૉકરેલે એક-એક વિકેટ લીધી હતી. ૬૨ રનથી જીતનો પાયો નાખનાર બાલબર્નીને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
આજે ઑસ્ટ્રેલિયા સામે જીતવું જરૂરી ભૂતપૂર્વ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડે આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે જીતવું અત્યંત જરૂરી છે. બેમાંથી જે ટીમ હારશે એને માટે ટુર્નામેન્ટમાં ટકવું મુશ્કેલ બની રહેશે. ગ્રુપ ‘૧’માં ગઈ કાલે એક-એક જીત સાથે ઇંગ્લૅન્ડ ત્રીજા અને ઑસ્ટ્રેલિયા પાંચમા સ્થાને હતું.
1-1
ગ્રુપ ‘૧’માં બુધવારે આટલા પૉઇન્ટ ન્યુ ઝીલૅન્ડ અને અફઘાનિસ્તાને મેલબર્ન ખાતેની મૅચ વરસાદને લીધે બિલકુલ ન રમાતાં વહેંચી લેવા પડ્યા હતા.
આજે કઈ મૅચ?
અફઘાનિસ્તાન v/s આયરલૅન્ડ : મેલબર્ન, સવારે ૯.૩૦ વાગ્યાથી
ઑસ્ટ્રેલિયા v/s ઇંગ્લૅન્ડ : મેલબર્ન, બપોરે ૧.૩૦ વાગ્યાથી
આવતી કાલે કઈ મૅચ?
ન્યુ ઝીલૅન્ડ v/s શ્રીલંકા
સિડની, બપોરે ૧.૩૦ વાગ્યાથી
હૅન્ડનો શાનદાર કૅચ

આયરલૅન્ડના ફિઓેન હૅન્ડે બુધવારે મિડવિકેટ નજીક ઇંગ્લૅન્ડના ટૉપ-સ્કોરર ડેવિડ મલાનનો અફલાતૂન કૅચ પકડ્યો હતો. એ પહેલાં હૅન્ડે ટેસ્ટ-સુકાની બેન સ્ટોક્સને ક્લીન બોલ્ડ કર્યો હતો. તસવીર એ.પી.


