નંબર વન રૅન્કિંગ બૅટર રિઝવાને ૩૯ બૉલમાં ફટકાર્યા ૪૯ રન
હૅરિસ રઉફની બોલિંગમાં ઈજા પામેલો બૅટર બૅસ ડી લીડે
પર્થમાં રમાયેલી નેધરલૅન્ડ્સ સામેની મૅચમાં પાકિસ્તાન ભલે અપેક્ષા મુજબ બૅટિંગ કરી શક્યું નહોતું, પરંતુ ટી૨૦ વર્લ્ડ કપમાં નેધરલૅન્ડ્સ સામે ૬ વિકેટે જીત મેળવી સેમી ફાઇનલની આશા જીવંત રાખી હતી. ડચ ખેલાડીઓ માટે પાકિસ્તાનના બોલિંગ-આક્રમણનો સામનો કરવો બહુ મુશ્કેલ હતો અને ૨૦ ઓવરમાં ૯ વિકેટે એ માત્ર ૯૧ રન જ કરી શક્યું હતું. એક બૅટ્સમૅન બૅસ ડી લીડે હૅરિસ રઉફના બાઉન્સનો સામનો કરતાં ઈજા પામ્યો હતો. આંખ નીચે બૉલ વાગતાં તે રિટાયર્ડ હર્ટ થયો હતો.
૯૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવો પાકિસ્તાન માટે મુશ્કેલ તો નહોતું છતાં એણે એ માટે ૧૩.૫ ઓવરનો સમય લીધો. આઇસીસીના પહેલા રૅન્કિંગ ધરાવતા મોહમ્મદ રિઝવાને ૩૯ બૉલમાં ૪૯ રન કર્યા હતા. વિજયનું તમામ શ્રેય પાકિસ્તાનના બોલરોને આપવું પડે. શાહીન શાહ આફ્રિદીએ એક વિકેટ, નસીમ શાહે એક વિકેટ તો મોહમ્મદ વસીમે બે વિકેટ લીધી હતી. સૌથી વધુ શાદાબ ખાને ૩ વિકેટ ૧૦ રન આપીને લીધી હતી. પાકિસ્તાનનો કૅપ્ટન બાબર આઝમ ચાર રન કરીને રનઆઉટ થયો હતો.
ADVERTISEMENT
અમે વધુ સારી રીતે જીતી શક્યા હોત : બાબર
નેધરલૅન્ડ્સ સામે વિજય મેળવ્યા બાદ પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે કહ્યું કે ‘નાના લક્ષ્યાંકનો પીછો કરતા બૅટર વધુ સારું પ્રદર્શન કરી શક્યા હોત. હું ઘણો ખુશ છું. બોલરોએ લેંગ્થ જાળવી રાખી હતી. અમે આગામી મૅચમાં વધુ સારું પ્રદર્શન કરીશું.’


