ફોર્સ મૅજ્યર એ એક કરારની જોગવાઈ છે જે યુદ્ધ, કુદરતી આફતો, સરકારી કાર્યવાહી અથવા જાહેર કટોકટી જેવી એના નિયંત્રણની બહારની અસાધારણ ઘટનાઓને કારણે પક્ષને એની જવાબદારીઓ પૂર્ણ કરવાથી માફ કરે છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ICC વચ્ચે વાતચીત શરૂ
કોલંબોમાં ૧૫ ફેબ્રુઆરીએ T20 વર્લ્ડ કપની ભારત સામેની મૅચના બહિષ્કાર કરવાના વિવાદ પર પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ (PCB) અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વચ્ચે વાતચીત શરૂ થઈ છે. પાકિસ્તાન બોર્ડે ICCને લેટર લખીને જાણ કરી હતી કે ફોર્સ મૅજ્યર કલમ હેઠળ તેમણે સરકારી નિર્દેશનું પાલન કરીને ભારત સામેની મૅચ ન રમવાનો યોગ્ય નિર્ણય લીધો છે. આ લેટર બાદ બન્ને સંસ્થા વચ્ચે આ વિવાદ મામલે સંદેશવ્યવહાર શરૂ થયો હતો.
ફોર્સ મૅજ્યર એ એક કરારની જોગવાઈ છે જે યુદ્ધ, કુદરતી આફતો, સરકારી કાર્યવાહી અથવા જાહેર કટોકટી જેવી એના નિયંત્રણની બહારની અસાધારણ ઘટનાઓને કારણે પક્ષને એની જવાબદારીઓ પૂર્ણ કરવાથી માફ કરે છે. આ કલમ લાગુ કરવા માટે અસરગ્રસ્ત પક્ષે દર્શાવવું આવશ્યક છે કે ઘટના અણધારી, અનિવાર્ય હતી અને એણે અસર ઘટાડવા માટે તમામ વાજબી પગલાં લીધાં બાદ મૅચમાંથી ખસવાનો નિર્ણય લીધો છે.
ICCએ ફોર્સ મૅજ્યર કલમનો ઉપયોગ કરવા બદલ PCBને કેટલાક પ્રશ્નો મોકલાવ્યા છે. જો પાકિસ્તાનની ફોર્સ મૅજ્યરને લગતી વિનંતી અમાન્ય સાબિત થાય તો ICC નિયમો હેઠળ કરારના ભંગના દાવાઓ તેમ જ શિસ્તબદ્ધ કાર્યવાહી કરશે. ICCએ સ્પષ્ટ કર્યું છે કે પસંદગીયુક્ત ભાગીદારી વૈશ્વિક ટુર્નામેન્ટના મુખ્ય આધાર પર પ્રહાર છે.


