ટુર્નામેન્ટના ઇતિહાસમાં ગુજરાત જાયન્ટ્સની ટીમ ચોથી વાર ટાર્ગેટ ચેઝ કરવામાં ઊતરી હતી અને પહેલી વાર ટાર્ગેટ ચેઝ કરીને જીત મેળવવામાં સફળ રહી છે.
પ્રતીકાત્મક તસવીર
૧૬ ફેબ્રુઆરીએ વડોદરામાં યુપી વૉરિયર્સને ૬ વિકેટે હરાવીને ગુજરાત જાયન્ટ્સે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનમાં પહેલી જીત મેળવી છે. દીપ્તિ વર્માની ટીમ યુપી વૉરિયર્સે ૯ વિકેટ ગુમાવીને ૧૪૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ઍશ્લી ગાર્ડનરની ટીમે ૧૮ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ગુજરાત જાયન્ટ્સની ટીમ ચોથી વાર ટાર્ગેટ ચેઝ કરવામાં ઊતરી હતી અને પહેલી વાર ટાર્ગેટ ચેઝ કરીને જીત મેળવવામાં સફળ રહી છે.
યુપી વૉરિયર્સ તરફથી પહેલી ઇનિંગ્સમાં કૅપ્ટન દીપ્તિ શર્મા (૨૭ બૉલમાં ૩૯ રન) અને વિકેટકીપર-બૅટર ઉમા છેત્રી (૨૭ બૉલમાં ૨૪ રન)એ મોટી ઇનિંગ્સ રમી હતી. ગુજરાત જાયન્ટ્સની સ્પિનર પ્રિયા મિશ્રાએ પચીસ રન આપી સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT
યુપી વૉરિયર્સ સામે બે વિકેટ લેનાર ગુજરાતની કૅપ્ટન ઍશ્લી ગાર્ડનરે રન-ચેઝ સમયે ૩૨ બૉલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૧૬૨.૫૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી બાવન રન ફટકારી ટીમની ઇનિંગ્સ સંભાળી હતી. પ્લેયર ઑફ ધ મૅચ બનેલી ઍશ્લી ગાર્ડનર ત્રીજી સીઝનમાં ૧૦૦ પ્લસ રન કરનાર પહેલી પ્લેયર પણ બની છે. તે આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ત્રણ વાર એક મૅચમાં ૫૦ પ્લસ રન અને બે પ્લસ વિકેટ લેનાર પહેલી પ્લેયર પણ બની છે.

