ભૂતપૂર્વ કૅપ્ટને કહ્યું કે ‘આખી પાકિસ્તાન ક્રિકેટ સિસ્ટમમાં જ ખામી છે’
બાબર આઝમ
પાકિસ્તાનના લેજન્ડરી ફાસ્ટ બોલર વસીમ અકરમે ભારતમાં આયોજિત વન-ડે વર્લ્ડ કપમાંના પાકિસ્તાનની ટીમના પતન માટે કૅપ્ટન બાબર આઝમને કે ટીમને નહીં, પરંતુ આખી પાકિસ્તાન ક્રિકેટ સિસ્ટમને જવાબદાર ગણાવી છે. અકરમે ખાસ કહ્યું કે ‘સુકાની બાબરને બલિનો બકરો ન બનાવવો જોઈએ.’
૧૯૯૨નું ચૅમ્પિયન પાકિસ્તાન અમદાવાદમાં ૧૪ ઑક્ટોબરે ભારત સામે હારી ગયું હતું ત્યારે જ વર્લ્ડ કપની બહાર થઈ ગયું હતું, કારણ કે એના મોટા ભાગના ખેલાડીઓ નૈતિક જુસ્સો ગુમાવી બેઠા હતા અને પછી તો અફઘાનિસ્તાન સામે પણ તેમનું નાક કપાયું હતું અને સેમી ફાઇનલથી વંચિત રહ્યા. અધૂરામાં પૂરું, સ્પર્ધાની સૌથી ફ્લૉપ ટીમ ઇંગ્લૅન્ડ સામે તેમણે શનિવારે ૯૩ રનના તોતિંગ માર્જિનથી હાર જોવી પડી હતી.
પાકિસ્તાન પાંચમા સ્થાને રહ્યું અને ખુદ બાબર બૅટિંગમાં ફ્લૉપ હતો. અકરમે ‘એ સ્પોર્ટ્સ’ પરના ‘ધ પૅવિલિયન’ શોમાં કહ્યું કે ‘કંઈ કૅપ્ટન એકલો નથી રમતો. હા, બાબરે એશિયા કપમાં અને વર્લ્ડ કપમાં કૅપ્ટન તરીકે કેટલીક ભૂલો જરૂર કરી હતી, પરંતુ તેને એકલાને દોષી ન ગણાવી શકાય. ખરેખર તો છેલ્લા એકાદ વર્ષથી પાકિસ્તાનની આખી ક્રિકેટ સિસ્ટમમાં જે ચાલી રહ્યું છે એને જ જવાબદાર ગણાવવી જોઈએ. ખેલાડીઓને ખબર જ નથી હોતી કે કોણ તેમના કોચ છે. બાબરને બલિનો બકરો ન બનાવાય.’
મિસબાહ-ઉલ-હકે અકરમનાં મંતવ્ય સાથે સંમતિ બતાવીને કહ્યું કે આખી ટીમની નિષ્ફળતાને કારણે જ વર્લ્ડ કપમાં પાકિસ્તાને આ બૂરા હાલ જોવા પડ્યા.


