ત્રીજી વન-ડે સાત વિકેટે જીતીને વેસ્ટ ઇન્ડીઝનાં સૂપડાં સાફ કર્યા અંગ્રેજોએ
રેગ્યુલર કૅપ્ટન તરીકે પહેલી વાર સિરીઝ જીત્યો હૅરી બ્રુક.
મંગળવારે ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મૅચ વરસાદને કારણે ૪૦-૪૦ ઓવર્સની રમાઈ હતી જેમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૪૬ રનનો ટાર્ગેટ ચેઝ કરીને યજમાન ટીમે DLS મેથડથી સાત વિકેટથી જીત નોંધાવી હતી. સિરીઝની પહેલી મૅચ ૨૩૮ રન અને બીજી મૅચ ત્રણ વિકેટે જીતનાર ઇંગ્લૅન્ડે ત્રણ વર્ષ બાદ વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપ કરી હતી.
જૂન ૨૦૨૨માં આ ટીમે છેલ્લી નેધરલૅન્ડ સામે આ ફૉર્મેટમાં ક્લીન સ્વીપ કરી હતી. આ ટીમે સપ્ટેમ્બર ૨૦૨૩માં છેલ્લી વન-ડે સિરીઝ આયરલૅન્ડ સામે જીતી હતી. ત્યાર બાદ રમાયેલી ચાર વન-ડે સિરીઝમાં ઇંગ્લૅન્ડ હાર્યું હતું. ઇંગ્લૅન્ડ માટે ૭૦૦૦ વન-ડે રન કરનાર પહેલો પ્લેયર જો રૂટે આ સિરીઝમાં સૌથી વધુ ૨૬૭ રન ફટકાર્યા હતા. બન્ને ટીમ વચ્ચે હવે ૬થી ૧૦ જૂન વચ્ચે ત્રણ મૅચની T20 સિરીઝ રમાશે.

