ઈશાન-વૈભવની ઈસ્ટ ઝોન ટીમ પાસે હજી ૩૪૯ રનની લીડ
શહબાઝ અહમદે બૅટ પછી બૉલથી પણ ધમાલ મચાવીને ત્રણ વિકેટ લીધી હતી.
બૅન્ગલોરના સેન્ટર ઑફ એક્સલન્સમાં દુલીપ ટ્રોફીની બીજી ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં ઈસ્ટ ઝોન સામે નૉર્થ ઈસ્ટ ઝોનને ફૉલો-ઑન મળ્યું હતું. ઈશાન કિશન અને વૈભવ સૂર્યવંશીના ફ્લૉપ પ્રદર્શન છતાં ઈસ્ટ ઝોને પહેલી ઇનિંગ્સમાં ૧૧૨.૫ ઓવર રમીને ૪૬૭નો સ્કોર કર્યો હતો. નૉર્થ ઈસ્ટ ઝોને પહેલી ઇનિંગ્સમાં ૪૨.૫ ઓવર રમીને ૧૧૧ રન કરતાં એને ફૉલો-ઑન મળ્યું હતું. બીજા દિવસના અંતે નૉર્થ ઈસ્ટ ઝોને એક ઓવરમાં ૭/૦નો સ્કોર કરતાં ઈસ્ટ ઝોન પાસે હજી ૩૪૯ રનની લીડ બચી છે.
ઈસ્ટ ઝોને બીજા દિવસે ૮૦ ઓવરમાં ૩૫૫/૬ના સ્કોરથી પહેલી ઇનિંગ્સને આગળ વધારી હતી. ઑલરાઉન્ડર શહબાઝ અહમદે પોતાના ૧૦૦ રનના સ્કોરને બીજા દિવસે ૧૬૭ રન સુધી પહોંચાડ્યો હતો. તેણે સાતમા ક્રમે રમીને ૨૪૪ બૉલમાં ૧૭ ફોર અને ચાર સિક્સના આધારે પોતાના ફર્સ્ટ ક્લાસ-ક્રિકેટ કરીઅરનો હાઇએસ્ટ ૧૬૭ રનનો સ્કોર કર્યો હતો.
