વાઇસ-કૅપ્ટન રિન્કુ સિંહે ૬૦ રન ઝૂડ્યા, કૅપ્ટન રજત પાટીદાર ૧૨ રન કરીને તંબુભેગો થયો : ફાસ્ટ બોલર્સ મુકેશ કુમારે ૩ અને મોહમ્મદ શમીએ બે વિકેટ લીધી
રિન્કુ સિંહે ૮૮ બૉલમાં ૮ ફોરની મદદથી ૬૦ રન ઝૂડ્યા હતા.
બૅન્ગલોર સ્થિત સેન્ટર ઑફ એક્સલન્સમાં ગઈ કાલે દુલીપ ટ્રોફી 2026ની સેમી-ફાઇનલ મૅચો શરૂ થઈ હતી. પહેલી સેમી-ફાઇનલ મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન સેન્ટ્રલ ઝોન સામે ટૉસ જીતીને ઈસ્ટ ઝોને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. પહેલા જ દિવસે સેન્ટ્રલ ઝોન ૮૦.૧ ઓવરમાં ૨૬૬ રન કરીને ઑલઆઉટ થયું હતું.
સેન્ટ્રલ ઝોન માટે ઓપનર આર્યન જુયાલે ૧૧૩ બૉલમાં ૪૬ રન કર્યા હતા. પૂંછડિયો બૅટર યશ ઠાકુર ૨૬ બૉલમાં ૩૦ રન કરીને અણનમ રહ્યો હતો. વાઇસ-કૅપ્ટન રિન્કુ સિંહે ૮૮ બૉલમાં ૮ ફોરની મદદથી ૬૦ રન ઝૂડ્યા હતા, જ્યારે કૅપ્ટન રજત પાટીદાર ૪૧ બૉલમાં એક ફોરની મદદથી ૧૨ રન કરીને મુકેશ કુમાર સામે બોલ્ડ થયો હતો.
સેન્ટ્રલ ઝોનની અડધી ટીમ ૪૪.૬ ઓવરમાં ૧૨૫ રનના સ્કોરે તંબુભેગી થઈ હતી. ઈસ્ટ ઝોન માટે ફાસ્ટ બોલર્સ મુકેશ કુમાર અને અભિષેક સરકારે ૩-૩ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને સ્પિનર મોહમ્મદ કુરૈશીને બે-બે વિકેટ મળી હતી. આજે ઈસ્ટ ઝોન માટે વૈભવ સૂર્યવંશી અને ઈશાન કિશન બૅટિંગ કરતા જોવા મળશે.
થોડા સમય માટે ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી બન્યો સ્ટૅન્ડ-ઇન-કૅપ્ટન
ADVERTISEMENT
ઈશાન કિશનને જમણા કાંડામાં ઇન્જરી થતાં ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઈસ્ટ ઝોનના સ્ટૅન્ડ-ઇન-કૅપ્ટન તરીકે પદ સંભાળ્યું હતું. સેન્ટ્રલ ઝોનની ઇનિંગ્સની ૧૯મી ઓવર દરમ્યાન ઈશાન કિશન થોડા સમય માટે મેદાન છોડી ગયો હતો એ સમયે વૈભવ સૂર્યવંશી થોડા સમય માટે યંગેસ્ટ કૅપ્ટન બન્યો હતો.
વૈભવ સૂર્યવંશીએ મુકેશ કુમારની ઓવરમાં સેન્ટ્રલ ઝોનના આર્યન જુયાલ સામે કેચ બિહાઇન્ડ અપીલ વિશેના નૉટ-આઉટ નિર્ણયને પડકાર્યો હતો. પહેલી વખત કૅપ્ટન તરીકે DRSનો સફળ રિવ્યુ લેનાર વૈભવે ટીમ સાથે શાનદાર ઉજવણી પણ કરી હતી.
