દિલ્હી સામે લાગલગાટ ત્રીજી હારનું જોખમ, સીઝનની પહેલી ટક્કરમાં બૅન્ગલોરને એના જ ગઢમાં આપી હતી માત
કૅપ્ટન રજત પાટીદાર અને ટીમના અન્ય સભ્યો દિલ્હીની પિચની તપાસ કરતા જોવા મળ્યા.
IPL 2026ની ૩૯મી મૅચ આજે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ સીઝનના પહેલા હાફમાં પાંચ જીત અને બે હારનો સામનો કર્યો છે. માત્ર ત્રણ જીત મેળવનાર દિલ્હી કૅપિટલ્સ છેલ્લી બે હાર સહિત ટોટલ ચાર હારને કારણે પ્લેઑફની રેસમાંથી પાછળ જઈ રહી છે. ૧૮ એપ્રિલે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બૅન્ગલોર સામે દિલ્હીએ ૧૭૬ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૬ વિકેટે જીત નોંધાવી હતી. એ હાર બાદ બૅન્ગલોરે ગુજરાત ટાઇટન્સને હરાવીને જીતની લય પાછી મેળવી લીધી હતી. જોકે દિલ્હીને છેલ્લી બન્ને મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૪૭ રને અને પંજાબ કિંગ્સ સામે ૬ વિકેટે હાર મળી હતી. આ બન્ને મૅચમાં દિલ્હીની બોલિંગ સાધારણ જોવા મળી હતી. દિલ્હીની ટીમ સ્ટાર ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કની વાપસીની આશા રાખશે. અરુણ જેટલી સ્ટેડિયમમાં બૅન્ગલોરની ટીમને ૧૧ મૅચમાંથી ૭ જીત અને ૪ હાર મળી છે. આ તમામ મૅચોમાં બૅન્ગલોરની ટક્કર દિલ્હી સામે જ થઈ હતી. દિલ્હીને પોતાના હોમગ્રાઉન્ડ પર ૯૩ મૅચમાંથી ૩૯માં જીત અને ૫૩માં હાર મળી છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. દિલ્હી સામે હોમગ્રાઉન્ડ પર હૅટ-ટ્રિક હારનું જોખમ પણ છે. વર્તમાન સીઝનની અહીં રમાયેલી ત્રણ મૅચમાંથી દિલ્હી મુંબઈ સામેની પહેલી મૅચ જીત્યું હતું.
