અમારી પાસે ભારતીય પરિસ્થિતિઓમાં ૨૦ વિકેટ લેવા માટે પૂરતી વિવિધતા છે
વેસ્ટ ઇન્ડીઝનાે હેડ કોચ ડૅરેન સૅમી
ભારતમાં ઑક્ટોબરની શરૂઆતમાં બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમતાં પહેલાં વેસ્ટ ઇન્ડીઝના હેડ કોચ ડૅરેન સૅમીએ મોટો દાવો કર્યો છે. બે વખતના T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમના કૅપ્ટન ડૅરેન સૅમીએ કહ્યું કે ‘અમારા ફાસ્ટ બોલિંગ વિભાગમાં અમારી પાસે ચાર અલગ-અલગ ખેલાડીઓ છે જેમની પોતાની વિવિધતા છે. એમાંથી શમર જોસેફ પાસે બૉલને સરકાવવાની ક્ષમતા છે, જેડન સીલ્સનો ફ્રન્ટ ફુટ મજબૂત છે અને તે બૉલને બન્ને તરફ સ્વિંગ કરી શકે છે અને અલ્ઝારી જોસેફ સારી લેન્થ અને બાઉન્સ મેળવી શકે છે. ટૂંકમાં ભારતીય પરિસ્થિતિઓમાં ૨૦ વિકેટ (એક ટેસ્ટ-મૅચમાં) લેવા માટે અમારી પાસે પૂરતી વિવિધતા છે.’
તેણે વધુમાં કહ્યું હતું કે ‘૨૦ વિકેટ લેવું એ ટેસ્ટ-મૅચમાં અમારું નંબર-વન લક્ષ્ય છે. ગયા વર્ષે ન્યુ ઝીલૅન્ડે (૩-૦થી ટેસ્ટ-સિરીઝ જીત્યું) ભારતમાં અદ્ભુત પ્રદર્શન કર્યું અને અમારે એમાંથી પ્રેરણા લેવી જોઈએ. અમે ચોક્કસપણે જીતવાની માનસિકતા સાથે મેદાનમાં ઊતરીશું. અમે ફક્ત ‘ઓહ, એ ભારત છે’ એમ વિચારીને મેદાનમાં નહીં જઈએ.’
વેસ્ટ ઇન્ડીઝ ભારત સામે છેલ્લે ૨૦૦૨માં ટેસ્ટ-સિરીઝ જીત્યું હતું. ત્યાર બાદ ભારતે આ હરીફ સામે સતત નવ ટેસ્ટ-સિરીઝ જીતી છે.


