Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મિચલ સ્ટાર્કે યશસ્વી જાયસવાલ ઍન્ડ કંપનીને દેખાડી દીધો પોતાનો પાવર

મિચલ સ્ટાર્કે યશસ્વી જાયસવાલ ઍન્ડ કંપનીને દેખાડી દીધો પોતાનો પાવર

Published : 07 December, 2024 08:21 AM | Modified : 07 December, 2024 08:25 AM | IST | Adelaide
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પિન્ક બૉલ ટેસ્ટમૅચના પહેલા દિવસે ભારત ૧૮૦ રનમાં આૅલઆઉટ, આૅસ્ટ્રેલિયા ૧ વિકેટે ૮૬ : તેણે ૬ વિકેટ લઈને મચાવ્યો તરખાટ: નીતીશ કુમાર રેડ્ડી ફરી ટૉપ સ્કોરર

મિચલ સ્ટાર્કે ગઈ કાલે ઍડીલેડ ઓવલમાં શરૂ થયેલી બીજી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે પહેલી ઓવરના પહેલા જ બૉલે પર્થ ટેસ્ટના સેન્ચુરિયન યશસ્વી જાયસવાલને એલબીડબ્લ્યુ આઉટ કરી દીધો હતો.

મિચલ સ્ટાર્કે ગઈ કાલે ઍડીલેડ ઓવલમાં શરૂ થયેલી બીજી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે પહેલી ઓવરના પહેલા જ બૉલે પર્થ ટેસ્ટના સેન્ચુરિયન યશસ્વી જાયસવાલને એલબીડબ્લ્યુ આઉટ કરી દીધો હતો.


ગઈ કાલે ઍડીલેડ ઓવલમાં શરૂ થયેલી પિન્ક બૉલ ટેસ્ટના પહેલા દિવસે ઑસ્ટ્રેલિયાનો હાથ ઉપર રહ્યો હતો. પહેલી ટેસ્ટમાં નામોશીજનક પરાજય પછી ગઈ કાલે ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગમાં ઊતરેલી ભારતીય ટીમને માત્ર ૪૪.૧ ઓવરમાં ફક્ત ૧૮૦ રનમાં ઑલઆઉટ કરી દીધી હતી. ત્યાર પછી ઑસ્ટ્રેલિયન બૅટરોએ પહેલા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં એક વિકટે ૮૬ રન બનાવી લીધા હતા. હવે તેઓ ભારતીય સ્કોર કરતાં માત્ર ૯૪ રન પાછળ છે.

મિચલ સ્ટાર્ક ગઈ કાલે ઑસ્ટ્રેલિયાનો હીરો હતો. તેણે ૧૪.૧ ઓવરમાં બે મેઇડન નાખીને અને ૪૮ રન આપીને ૬ વિકેટ લીધી હતી. સ્ટાર્કે મૅચના પહેલા જ બૉલમાં યશસ્વી જાયસવાલને લેગ બિફોર વિકેટ આઉટ કર્યો એની સાથે આ મૅચની દિલધડક શરૂઆત થઈ હતી. પહેલી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ઝીરો પર આઉટ થયા પછી યશસ્વીએ બીજી ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારી હતી એ દરમ્યાન તેણે સ્ટાર્કને એવો ટોણો માર્યો હતો કે તું બહુ ધીમી બોલિંગ કરી રહ્યો છે. સ્ટાર્કે ગઈ કાલે આ ટોણાનો બોલતી બંધ કરી દે એવો જવાબ આપ્યો હતો.



યશસ્વીના ગયા પછી કે. એલ. રાહુલ અને શુબમન ગિલ જોકે સ્કોરને ૬૯ સુધી લઈ ગયા હતા, પણ આ તબક્કે ધબડકો શરૂ થયો હતો. એને પગલે ભારત ૮૭ રનમાં પાંચ વિકેટ ગુમાવી બેઠું હતું. આ વિકેટોમાં રાહુલ, ગિલ, વિરાટ કોહલી અને રોહિત શર્માનો સમાવેશ હતો.


નૅથન મૅકસ્વીનીનો કૅચ ડ્રૉપ કર્યા પછી ભારતનો કૅપ્ટન રોહિત શર્મા. કાંડામાં બૉલ વાગ્યો હોવાથી થઈ રહેલો દુખાવો તેના ચહેરા પર સાફ જોઈ શકાય છે.


ભારતના માત્ર ત્રણ બૅટર ૩૦ રનનો સ્કોર પાર કરી શક્યા હતા; જેમાં રાહુલ (૩૭), ગિલ (૩૧) અને નીતીશ કુમાર રેડ્ડી (૪૨)નો સમાવેશ હતો. પર્થ ટેસ્ટની પહેલી ઇનિંગ્સની જેમ બીજી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં પણ નીતીશે સૌથી વધુ રન બનાવ્યા હતા. નીતીશે ૫૪ બૉલમાં ૪૨ રન બનાવ્યા હતા જેમાં ત્રણ ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી. રવિચન્દ્રન અશ્વિને બાવીસ બૉલમાં બાવીસ રન ફટકારીને મહત્વનું યોગદાન આપ્યું હતું. રિષભ પંત ૨૧ રન બનાવીને આઉટ થયો હતો.

ભારત તરફથી ઑસ્ટ્રેલિયાની જે એકમાત્ર ખ્વાજાની વિકેટ પડી હતી એ જસપ્રીત બુમરાહે લીધી હતી.

ત્યાર પછી ભારતીય બોલરોને ૩૩ ઓવરમાં એક જ સફળતા મળી હતી. જસપ્રીસ બુમરાહે ઑસ્ટ્રેલિયાના કુલ ૨૪ રનના સ્કોરે ઉસ્માન ખ્વાજાને સ્લિપમાં રોહિત શર્માના હાથે ઝિલાવ્યો એ પછી નૅથન મૅકસ્વીની અને માર્નસ લબુશેન છેક સુધી ટકી રહીને સ્કોરને ૮૬ સુધી લઈ ગયા હતા.

ગઈ કાલે ઍડીલેડ ઓવલમાં શરૂ થયેલી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પિન્ક બૉલ ટેસ્ટના પહેલા દિવસે મોટી સંખ્યામાં ભારતીય પ્રેક્ષકો ઢોલ-નગારાં અને તિરંગા સાથે જોવા મળ્યા હતા. 

મિચલ સ્ટાર્કને ચીડવ્યો ભારતીય પ્રેક્ષકોએ

સ્ટેડિયમમાં બેઠેલા ભારતીય પ્રેક્ષકોએ બાઉન્ડરી લાઇન પર ફીલ્ડિંગ કરવા ઊભા રહેલા મિચલ સ્ટાર્કને IPLમાં થયેલા ૧૩ કરોડ રૂપિયાના નુકસાનના ટોણા માર્યા હતા. સ્ટાર્કને ૨૦૨૪ની સીઝન માટે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) દ્વારા ૨૪.૭૫ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, પણ ગયા મહિનાના મેગા ઑક્શનમાં તેને દિલ્હી કૅપિટલ્સે માત્ર ૧૧.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ભારતીય પ્રેક્ષકોએ સ્ટાર્કને KKR... KKR...ના નારા લગાવીને ચીડવ્યો હતો.

બે વાર ફ્લડલાઇટ‍્સ બંધ

ગઈ કાલે ભારત બોલિંગ કરી રહ્યું હતું ત્યારે અઢારમી ઓવરમાં ફ્લડલાઇટ‍્સ બે વાર બંધ થઈ ગઈ હતી. હર્ષિત રાણા એ ઓવર નાખી રહ્યો હતો. બોલિંગ માટે રન-અપ લઈ લીધા બાદ લાઇટ્સ બંધ થવાને લીધે હર્ષિત રાણા ફ્રસ્ટ્રેટ થયેલો દેખાતો હતો.

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2024 08:25 AM IST | Adelaide | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK