બે તબક્કામાં યોજાઈ શકે છે રણજી ટ્રોફી ૨૦૨૪-’૨૫
પ્રતીકાત્મક તસવીર
ભારતીય ક્રિકેટ બોર્ડ ડોમેસ્ટિક ક્રિકેટને રોમાંચક બનાવવા માટે નવા પ્રયોગ કરવાના મૂડમાં છે. ભારતમાં ૨૦૨૪-’૨૫ ડોમેસ્ટિક સીઝનમાં મોટા ફેરફારના પ્રસ્તાવ મૂકવામાં આવ્યા છે. ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ, ભારતીય કૅપ્ટન રોહિત શર્મા, ચીફ સિલેક્ટર અજિત આગરકર, હેડ કોચ રાહુલ દ્રવિડ અને રાષ્ટ્રીય ક્રિકેટ ઍકૅડેમીના વડા વીવીએસ લક્ષ્મણ સાથે ચર્ચા કર્યા બાદ આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવાયા અનુસાર સી. કે. નાયડુ ટ્રોફીથી ટૉસના સ્થાને મહેમાન ટીમને પહેલાં બૅટિંગ કે બોલિંગ પસંદ કરવાની પ્રથા શરૂ થઈ શકે છે. ટુર્નામેન્ટની બે મૅચ વચ્ચે ૩થી વધારે દિવસનું અંતર રાખવામાં આવશે જેથી ખેલાડીઓને આરામ મળી શકે. રણજી ટ્રોફી પણ બે તબક્કામાં યોજાઈ શકે છે. પહેલો તબક્કો ઑક્ટોબરથી અને બીજો તબક્કો જાન્યુઆરીથી શરૂ થશે.


