શ્રીલંકા-બંગલાદેશે ચાર-ચાર પૉઇન્ટ સાથે નવી WTC સીઝનની શરૂઆત કરી, બન્ને ટીમ વચ્ચે છઠ્ઠી વાર મૅચ ડ્રૉ રહી
બન્ને ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો નઝમુલ હુસેન શાન્તો
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ચોથી સીઝનની શરૂઆત ડ્રૉ મૅચથી થઈ છે. વરસાદથી પ્રભાવિત પાંચમા દિવસના અંતે બે મૅચની સિરીઝમાં પહેલી મૅચ ડ્રૉ થતાં શ્રીલંકા અને બંગલાદેશને ચાર-ચાર પૉઇન્ટ મળ્યા છે. પહેલી ઇનિંગ્સમાં ૪૯૫ રન કરનાર બંગલાદેશે પાંચમા દિવસે ૮૭ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૮૫ રને બીજી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. પહેલી ઇનિંગ્સમાં ૪૮૫ રન ફટકારનાર શ્રીલંકાને જીત માટે ૨૯૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. સમયના અભાવે શ્રીલંકા ૩૨ ઓવરમાં ચાર વિકેટે ૭૨ રન કરી શક્યું હતું. બન્ને ટીમ વચ્ચે છઠ્ઠી વાર ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી.
બંગલાદેશના કૅપ્ટન નઝમુલ હુસેન શાન્તોએ પહેલી ઇનિંગ્સમાં ૧૪૮ અને બીજી ઇનિંગ્સમાં ૧૨૫ રનની ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ પોતાને નામે કર્યો હતો. તેણે ટેસ્ટ-મૅચની બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારવાની સાથે હાઇએસ્ટ ૨૭૩ રન કરનાર બંગલાદેશી કૅપ્ટન તરીકેની સિદ્ધિ મેળવી હતી.


