૨૮૫ રનના ટાર્ગેટ સામે ઑસ્ટ્રેલિયાએ ૪૨.૨ ઓવરમાં ૧૯૧/૯નો સ્કોર કર્યો હતો, જોકે અંતે બંગલાદેશને DLS મેથડથી ૮૬ રને જીત મળી...
બંગલાદેશનો નાહિદ રાણા ઑસ્ટ્રેલિયાના જૉશ ઇંગ્લિસની વિકેટ લઈને તેની સામે ઉગ્ર ઉજવણી કરતો જોવા મળ્યો
ગઈ કાલે ઑસ્ટ્રેલિયા અને બંગલાદેશ વચ્ચે ૧૫ વર્ષ બાદ વન-ડે સિરીઝ શરૂ થઈ હતી. ત્રણ વન-ડે મૅચની પહેલી મૅચ DLS મેથડથી ૮૬ રને જીતીને બંગલાદેશે આ હરીફ સામે જૂન ૨૦૦૫ બાદ માત્ર બીજી જીત નોંધાવી હતી. ઢાકામાં બંગલાદેશે ૮ વિકેટ ગુમાવીને ૨૮૪ રન કર્યા હતા. જવાબમાં ઑસ્ટ્રેલિયા ૪૨.૨ ઓવરમાં ૯ વિકેટે ૧૯૧ રન કરીને હાર તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે વરસાદને કારણે મૅચ ફરી શરૂ થઈ શકી નહોતી.
બંગલાદેશ માટે છઠ્ઠા ક્રમે રમવા આવેલા ઑલરાઉન્ડર મોસાદ્દેક હુસેને ૭૦ બૉલમાં ૭ ફોર, ત્રણ સિક્સના આધારે ૮૬ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. નજમુલ હુસેન શાન્તોએ ૮૬ બૉલમાં ૬૭ રન અને તન્ઝીદ હસન તમીમે ૪૪ બૉલમાં ૫૪ રનનું યોગદાન આપ્યું હતું. ઑસ્ટ્રેલિયાના પેસ બોલર નૅથન એલિસને ૩ વિકેટ જ્યારે લિયામ સ્કૉટ અને મેટ રેનશૉને ૨-૨ વિકેટ મળી હતી.
રન-ચેઝ દરમ્યાન ઑસ્ટ્રેલિયાના કૅમરન ગ્રીને ૬૬ બૉલમાં બાવન રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. ઍલેક્સ કૅરીએ ૬૨ બૉલમાં ૪૭ રનનું યોગદાન આપ્યું હતું. બંગલાદેશના ૨૩ વર્ષના ફાસ્ટ બોલર નાહિદ રાણાએ ૧૦ ઓવરમાં ૪૧ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. સ્પિનર મોસાદ્દેક હુસેન અને ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને ૨-૨ વિકેટ મળી હતી.
