ટિમ ડેવિડની ધમાકેદાર ઇનિંગ્સ બાદ ફાસ્ટ બોલર્સના તરખાટને કારણે સાઉથ આફ્રિકાને પહેલી T20માં ૧૭ રને માત આપી, લાગલગાટ નવમી T20 જીત પણ મેળવી
ચાર ફોર અને ૮ સિક્સર ફટકારનાર ટિમ ડેવિડ બન્યો પ્લેયર ઑફ ધ મૅચ.
યજમાન ઑસ્ટ્રેલિયાએ પહેલી T20માં ૧૭ રને જીત નોંધાવી સાઉથ આફ્રિકા સામે ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી છે. આ હરીફ ટીમ સામે પહેલવહેલી વાર T20 ફૉર્મેટમાં ઑલઆઉટ થઈને ઑસ્ટ્રેલિયાએ ટિમ ડેવિડની ધમાકેદાર ઇનિંગ્સના આધારે ૨૦ ઓવરમાં ૧૭૯ રન ખડકી દીધા હતા. જવાબમાં સાઉથ આફ્રિકા નવ વિકેટે ૧૬૧ રન જ કરી શક્યું હતું. ઑસ્ટ્રેલિયાએ પોતાનો સૌથી વધુ સળંગ નવ T20 જીતનો રેકૉર્ડ કર્યો હતો. ગયા વર્ષે આ ટીમે સળંગ આઠ T20 મૅચ જીતી હતી. આફ્રિકા સામે કાંગારૂઓની આ સળંગ છઠ્ઠી જીત પણ હતી.
પહેલાં બૅટિંગ કરતાં ઑસ્ટ્રેલિયાએ ૭.૪ ઓવરમાં ૭૫ રનના સ્કોર પર ૬ વિકેટ ગુમાવી દીધી હતી. પાંચમા ક્રમે આવેલા ટિમ ડેવિડ (બાવન બૉલમાં ૮૩ રન)એ ચાર ફોર અને ૮ સિક્સરવાળી ધમાકેદાર ઇનિંગ્સ રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. સાઉથ આફ્રિકા સામે તેણે પોતાની સંયુક્ત હાઇએસ્ટ ૧૩ સિક્સર ફટકારી હતી. ટિમ ડેવિડની ૮ સિક્સર એ કોઈ પણ ઑસ્ટ્રેલિયન બૅટર દ્વારા સાઉથ આફ્રિકા સામે એક ઇનિંગ્સમાં ફટકારેલી સૌથી વધુ સિક્સર હતી.
ADVERTISEMENT

ચાર વિકેટ લઈને ક્વેના મફાકાએ કરી રેકૉર્ડબ્રેક બોલિંગ.
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર્સ ક્વેના મફાકા (૨૦ રનમાં ચાર વિકેટ) અને કૅગિસો રબાડા (૨૯ રનમાં બે વિકેટ) સૌથી સફળ રહ્યા હતા. ક્વેના મફાકાનું પ્રદર્શન એ ઑસ્ટ્રેલિયા સામે કોઈ પણ સાઉથ આફ્રિકન બોલરનો બેસ્ટ T20 પર્ફોર્મન્સ હતો.
૧૭૯ રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાના ઓપનર રાયન રિકલ્ટન (પંચાવન બૉલમાં ૭૧ રન)એ છેક ૧૯.૨ ઓવર સુધી બૅટિંગ કરી હતી, પણ અંતિમ ઓવરમાં જીત માટે જરૂરી ૨૧ રન ન થઈ શકતાં તેની મહેનત એળે ગઈ હતી. ઑસ્ટ્રેલિયા માટે ફાસ્ટ બોલર્સ જોશ હેઝલવુડ (૨૭ રનમાં ત્રણ વિકેટ) અને બેન દ્વારશુઇસ (૨૬ રનમાં ત્રણ વિકેટ)એ સૌથી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.
19 વર્ષ 124 દિવસ
આટલાં વર્ષની ઉંમરે T20 મૅચમાં ચાર વિકેટ લેનાર ફુલ મેમ્બર ટીમનો યંગેસ્ટ ફાસ્ટ બોલર બન્યો ક્વેના મફાકા.


