પહલગામના આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી લશ્કરી અથડામણનો પ્રભાવ T20 એશિયા કપ 2025ના મેદાન પર બન્ને દેશના પ્લેયર્સમાં જોવા મળ્યો હતો
સૂર્યકુમાર યાદવ, સાહિબઝાદા ફરહાન, હારિસ રઉફ
પહલગામના આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી લશ્કરી અથડામણનો પ્રભાવ T20 એશિયા કપ 2025ના મેદાન પર બન્ને દેશના પ્લેયર્સમાં જોવા મળ્યો હતો. ગ્રુપ-સ્ટેજ મૅચમાં પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ ન મિલાવવા અને જીત સૈન્યને સમર્પિત કરવા બદલ ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ચર્ચામાં આવ્યો હતો. જ્યારે ભારત સામેની સુપર ફોર મૅચમાં ભારતીય પ્લેન-ક્રૅશનો પાયાવિહોણો દાવો કરનાર પાકિસ્તાની ફાસ્ટ બોલર હારિસ રઉફ અને ગન-ફાયર સેલિબ્રેશન કરનાર પાકિસ્તાન ઓપનર સાહિબઝાદા ફરહાન વિવાદમાં ફસાયા હતા.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ પાકિસ્તાનના આ બે પ્લેયર્સ સામે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ભારતીય T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સામે ઑફિશ્યલ ફરિયાદ નોંધાવી હતી. અહેવાલ અનુસાર દુબઈના ક્રિકેટ મેદાન પર શિસ્તભંગ બદલ ત્રણેય પ્લેયર્સ સામે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ સુનાવણી કરી હતી. ત્રણેય પ્લેયર્સે સુનાવણી દરમ્યાન પોતાના પરના આરોપ નકારી કાઢ્યા, પણ ટીમ-હોટેલમાં સુનાવણી દરમ્યાન મૅચ રેફરી રિચી રિચર્ડસને દંડ વિશે નિર્ણય કર્યો હતો.
ADVERTISEMENT
સૂર્યકુમાર યાદવ : ભારતીય કૅપ્ટન સૂર્યા પર રાજકીય કમેન્ટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેને ૩૦ ટકા મૅચફીનો દંડ કરીને આવાં કોઈ પણ રાજકીય નિવેદનો ન આપવા કહેવામાં આવ્યું હતું. મળતા અહેવાલ અનુસાર સૂર્યા સામેના આ દંડ વિરુદ્ધ BCCIએ અપીલ કરી છે.
સાહિબઝાદા ફરહાન : મૅચ દરમ્યાન ગન-ફાયર સેલિબ્રેશન કરનાર આ ઓપનરને કોઈ દંડ વિના ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર તેણે આ સેલિબ્રેશનને દેશનું પરંપરાગત સેલિબ્રેશન ગણાવ્યું હતુ.
હારિસ રઉફ : વિરાટ-વિરાટના નારા વચ્ચે ભારતીય ફૅન્સ સામે બેફામ અને વાંધાજનક વર્તન કરનાર હારિસ રઉફનો તેની મૅચફીના ૩૦ ટકાનો દંડ થયો છે. તેણે ભારતના ઓપનર અભિષેક શર્મા સાથે પણ બોલિંગ દરમ્યાન બોલાચાલી કરી હતી.


