એશિયા કપમાં યજમાન ભારતે કામચલાઉ યજમાનને આસાનીથી ૯ વિકેટે હરાવી દીધું : ૧૭.૪ ઓવરમાં મૅચ ખતમ : ૭ રનમાં ચાર વિકેટ સાથે કુલદીપ મૅચનો હીરો
૧૪ મહિના બાદ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમી રહેલાે કુલદીપ યાદવ ૨.૧ ઓવરમાં માત્ર ૭ રન આપીને ૪ વિકેટ લઈને મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.
સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં યજમાન ટીમ ઇન્ડિયાએ ગઈ કાલે એશિયા કપની પ્રથમ મૅચમાં ‘યજમાન’ UAE સામે ૯ વિકેટે શાનદાર જીત સાથે ધમાકેદાર શરૂઆત કરી હતી. ટૉસ જીતીને ભારતે UAEને પ્રથમ બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય બોલિંગ અટૅક ખાસ કરીને ૧૪ મહિના બાદ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમી રહેલા કુલદીપ યાદવ (૭ રનમાં ચાર વિકેટ) અને શિવમ દુબે (૪ રનમાં ૩ વિકેટ) સામે UAE ૧૩.૧ ઓવરમાં માત્ર ૫૭ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલને એક-એક વિકેટ મળી હતી. ટીમ ઇન્ડિયાએ માત્ર ૪.૩ ઓવરમાં અભિષેક શર્મા (૧૬ બૉલમાં ૩ સિક્સર અને બે ફોર સાથે ૩૦)ની વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ૭ રન અને વાઇસ-કૅપ્ટન શુભમન ગિલ ૨૦ રન બનાવી નૉટઆઉટ રહ્યા હતા.
ભારત સામે UAE લોએસ્ટ
મેન્સ T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં UAEનો આ ૫૭ રનનો સ્કોર હવે ભારત સામેનો લોએસ્ટ સ્કોર બની ગયો હતો. આ પહેલાંનો લોએસ્ટ સ્કોર ૬૬ રનનો હતો જે ન્યુ ઝીલૅન્ડે ૨૦૨૩માં અમદાવાદમાં બનાવ્યો હતો.
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયાની ફાસ્ટેસ્ટ જીત
૭૯ બૉલમાં UAEને પૅવિલિયન ભેગા કર્યા બાદ ૪.૩ ઓવર એટલે ૨૭ બૉલમાં જીત મેળવીને ટીમ ઇન્ડિયાએ T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ જીતનો પોતાનો નવો રેકૉર્ડ બનાવી નાખ્યો હતો. આ પહેલાં આ રેકૉર્ડ ૬.૩ ઓવરનો હતો જે ૨૦૨૧માં દુબઈમાં જ સ્કૉટલૅન્ડ સામે બનાવ્યો હતો. હવે ભારત રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે અને UAE સોમવારે ઓમાન સામે રમશે.


