એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પરાસ્ત કર્યું એ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર આ શબ્દોમાં આપી પ્રતિક્રિયા: ૧૪૭ના ટાર્ગેટ સામે પહેલી ૪ ઓવરમાં ભારતે ૨૦ રને ૩ વિકેટ ગુમાવ્યા બાદ તિલક વર્માએ અણનમ ૬૯ રનની ઇનિંગ્સ રમીને વિજય અપાવ્યો
નરેન્દ્ર મોદી
એશિયા કપની ફાઇનલમાં ગઈ કાલે પાકિસ્તાન સાથેના રોમાંચક મુકાબલામાં ભારતે અંતિમ ઓવરમાં ૧૦ રન કરીને પાકિસ્તાનને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. તિલક વર્માએ ૫૩ બૉલમાં ૬૯ રનની ઇનિંગ્સ રમીને છેલ્લી ઓવરમાં વિજયતિલક કર્યું હતું.
ભારતે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ લીધી હતી. પાકિસ્તાનના બન્ને ઓપનર સાહિબઝાદા ફરહાન અને ફખર ઝમાને ભારતના બોલિંગ-આક્રમણ પર આક્રમક હુમલો કરીને પહેલી ૯.૪ ઓવરમાં ૮૪ રન ઝૂડી નાખ્યા ત્યારે ભારતીય ટીમ પ્રેશરમાં હતી. જોકે ૩૮ બૉલમાં ૫૭ રન કરીને ફરહાન આઉટ થઈ જતાં ભારત માટે આશાનું કિરણ ઊગ્યું હતું અને ત્યાર બાદ પાકિસ્તાનની બૅટિંગ લાઇન લડખડાઈને ૧૯.૧ ઓવરમાં ૧૪૬ રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવે ૩૦ રન આપીને ૪ વિકેટ લીધી હતી. અક્ષર પટેલ-વરુણ ચક્રવર્તી અને બુમરાહે બે-બે વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
૧૪૭ના ટાર્ગેટ સાથે રમવા ઊતરેલી ભારતીય ટીમનો ટૉપ ઑર્ડર ફસડાઈ પડ્યો હતો. ભારતે બીજી-ત્રીજી અને ચોથી ઓવરમાં અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલની વિકેટ ગુમાવી હતી. ૨૦ રનમાં ૩ વિકેટથી આગળ વધીને સંજુ સૅમસને ૮ ઓવરમાં ૫૭ રનની ભાગીદારી કરીને ટીમની સ્થિતિ સંભાળી લીધી હતી. ૨૪ રન કરીને સંજુ સૅમસન આઉટ થયા બાદ તિલક વર્મા અને શિવમ દુબેએ બાજી સંભાળીને ૪૦ બૉલમાં ૬૦ રનની ભાગીદારી કરી હતી. શિવમ દુબે બાવીસ બૉલમાં ૩૩ રન કરીને આઉટ થયો હતો. છેલ્લી ઓવરમાં ૧૦ રનની જરૂર હતી ત્યારે રિન્કુ સિંહ બૅટિંગમાં આવ્યો હતો. તિલક વર્માએ એક ડબલ, એક સિક્સર અને સિંગલ લઈને ભારતને જીતના કિનારે લાવી દીધું હતું એ પછી રિન્કુએ પહેલા જ બૉલમાં વિનિંગ બાઉન્ડરી ફટકારીને ભારતને નવમી વાર એશિયા કપ ટાઇટલ જિતાડ્યું હતું.


