ડ્રીમ ઇલેવનના ૩૫૮ કરોડ સામે ત્રણ વર્ષ માટે નવી રેકૉર્ડબ્રેકિંગ ૫૭૯ કરોડની થઈ ડીલ
હાલમાં જ ઑસ્ટ્રેલિયા વિમેન્સ સામેની વન-ડે સિરીઝમાં ભારતીય મહિલા ટીમ અને એશિયા કપમાં પાકિસ્તાન સામે સૂર્યકુમાર ઍન્ડ ટીમ સ્પૉન્સરના લોગો વગરની જર્સી પહેરીને મૅચ રમી હતી.
એશિયા કપમાં જર્સીના સ્પૉન્સર વગર રમી રહેલી ટીમ ઇન્ડિયાને નવો સ્પૉન્સર મળી ગયો છે. અપોલો ટાયર્સ બ્રૅન્ડ ભારતીય ક્રિકેટ ટીમનું નવું જર્સી-સ્પૉન્સર બન્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે અપોલો ટાયર્સ સાથે જર્સી-સ્પૉન્સરશિપ માટેની ડીલ સાઇન થઈ ગઈ છે અને ટૂંક સમયમાં એની ઑફિશ્યલ જાહેરાત કરવામાં આવશે.
ભારત સરકારના ઑનલાઇન ગેમિંગ-પ્રમોશન ઍન્ડ રેગ્યુલેશન ઍક્ટ 2025ને કારણે ડ્રીમ ઇલેવને તાજેતરમાં એની રિયલ મની ગેમ્સ બંધ કરી દીધી અને ભારતીય ટીમના ટાઇટલ-સ્પૉન્સર તરીકેનો કરાર પણ ખતમ કરી દીધો હતો. અચાનક આ કરાર રદ થતાં ભારતીય ક્રિકેટ બોર્ડને એશિયા કપ પહેલાં નવો જર્સી-સ્પૉન્સર નક્કી કરવા માટે પૂરતો સમય ન મળતાં સૂર્યકુમાર ઍન્ડ ટીમ એશિયા કપમાં અને ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં ભારતીય મહિલા ટીમ પણ સ્પૉન્સરના લોગો વગરની જર્સી પહેરીને રમી રહી છે.
ADVERTISEMENT
મળતા અહેવાલ પ્રમાણે કૅન્વા (૫૪૪ કરોડ) અને જેકે સિમેન્ટ્સ (૪૭૭ કરોડ)ને રેસમાં હરાવીને અપોલો ટાયર્સે ત્રણ વર્ષ માટે રેકૉર્ડબ્રેકિંગ ૫૭૯ કરોડ રૂપિયામાં સ્પૉન્સરશિપ રાઇટ્સ મેળવ્યા હતા. કૅન્વા અને જેકે સિમેન્ટ્સ ઉપરાંત બિરલા પેઇન્ટ્સને પણ આ ડીલ મેળવવામાં રસ હતો, પણ એને બીડિંગ પ્રોસેસમાં સામેલ નહોતું થવું. ૩ વર્ષની આ ડીલ દરમ્યાન ૧૨૧ દ્વિપક્ષીય મૅચો અને ૨૧ ICC ઇવેન્ટ્સની મૅચો સામેલ છે. ડ્રીમ ઇલેવન ક્રિકેટ બોર્ડને મૅચદીઠ ૪ કરોડ રૂપિયા ચૂકવતું હતું અને અપોલો ટાયર્સ સાથેના આ નવા કરારને લીધે બોર્ડને મૅચદીઠ અંદાજે ૭૭ લાખ રૂપિયાની વધુ આવક થશે.
ટીમ ઇન્ડિયા આ નવી જર્સીના લોગો સાથે ઇન્ટરનૅશનલ મૅચમાં બીજી ઑક્ટોબરથી વેસ્ટ ઇન્ડીઝ સામે શરૂ થનારી બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમવી જોવા મળશે. જોકે એ પહેલાં ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા A સામેની ૩૦ સપ્ટેમ્બરે રમાનારી પ્રથમ વન-ડેમાં ઇન્ડિયા A આ નવી જર્સી સાથે રમશે.


