૨૦૧ રનના ટાર્ગેટ સામે કૅનેડા ૮ વિકેટે ૧૧૮ રન કરીને હાર્યું, અફઘાનિસ્તાનનો બૅટ્સમૅન ઓપનર ઇબ્રાહિમ ઝાદરાન અને સ્પિનર મોહમ્મદ નબી ચમક્યા
ભારતીય મૂળના કૅનેડાના ૩૭-૩૭ વર્ષના ક્રિકેટર્સ નવનીત ધાલીવાલ અને રવિન્દરપાલ સિંહે નિવૃત્તિની જાહેરાત કરી હતી. કૅનેડાની ટીમે મૅચ પહેલાં તે બન્નેને ગાર્ડ ઑફ ઓનર આપ્યું હતું.
ચેન્નઈમાં ગઈ કાલે ૮૨ રને કૅનેડાને હરાવીને અફઘાનિસ્તાને પોતાના T20 વર્લ્ડ કપ અભિયાનનો સુખદ અંત કર્યો હતો. ઓપનર ઇબ્રાહિમ ઝાદરાનના ૯૫ રનની મદદથી ૪ વિકેટે અફઘાનિસ્તાને પોતાનો T20 વર્લ્ડ કપનો પહેલો ૨૦૦ રનનો સ્કોર ફટકાર્યો હતો. જવાબમાં કૅનેડા ૮ વિકેટે ૧૧૮ રન જ કરી શક્યું હતું. અફઘાની બૅટર તરીકે T20 વર્લ્ડ કપ ઇતિહાસની ૯૫ રનની બેસ્ટ ઇનિંગ્સ રમનાર ઇબ્રાહિમ ઝાદરાન પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
અફઘાનિસ્તાનના ઓપનર ઇબ્રાહિમ ઝાદરાને ૫૬ બૉલમાં ૭ ફોર અને પાંચ સિક્સ ફટકારીને ૯૫ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. સદીકુલ્લાહ અટલે ૪૪ રન અને રહમાનુલ્લા ગુરબાઝે ૩૦ રનનું યોગદાન આપ્યું હતું. કૅનેડાના પેસ બોલર જસકરન સિંહે સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
કૅનેડાએ રન-ચેઝ દરમ્યાન ૯ ઓવરમાં ૪૮ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી હતી. હર્ષ ઠાકરે ૨૪ બૉલમાં ૩ ફોર અને એક સિક્સના આધારે ૩૦ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. સાદ બિન ઝફરે ૨૬ બૉલમાં ૨૮ રનનું યોગદાન આપ્યું હતું. અનુભવી અફઘાનિસ્તાન સ્પિનર મોહમ્મદ નબીએ ૪ ઓવરમાં માત્ર ૭ રન આપી ૪ વિકેટ લઈને T20 ઇન્ટરનૅશનલ કરીઅરનું બેસ્ટ પ્રદર્શન નોંધાવ્યું હતું. કૅપ્ટન રાશિદ ખાને ૪ ઓવરમાં ૧૯ રન આપીને બે વિકેટ લીધી હતી.
