ફીલ્ડિંગ કોચ તથા સ્ટ્રેંગ્થ અને કન્ડિશનિંગ કોચને પણ રુખસદ. નાયરને દૂર કરવાની યોજના ત્યારથી જ હતી જ્યારે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પહેલાં સિતાંશુ કોટકને ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફમાં વધારાના બૅટિંગ કોચ તરીકે સામેલ કરવામાં આવ્યાે હતો.
અભિષેક નાયર
ભારતીય ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારના સમાચાર સામે આવી રહ્યા છે. ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામેની ગયા વર્ષની ટેસ્ટ-સિરીઝમાં ભારતના કંગાળ પ્રદર્શનને કારણે સહાયક કોચ અભિષેક નાયરને માત્ર આઠ મહિનામાં પદ પરથી દૂર કરવામાં આવે એવી પ્રબળ સંભાવના છે. અહેવાલ અનુસાર નાયરને સપોર્ટ સ્ટાફમાંથી દૂર કરવાના ભારતીય ક્રિકેટ બોર્ડના નિર્ણય વિશે પહેલાંથી જ જાણ કરવામાં આવી છે. નાયરને દૂર કરવાની યોજના ત્યારથી જ હતી જ્યારે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પહેલાં સિતાંશુ કોટકને ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફમાં વધારાના બૅટિંગ કોચ તરીકે સામેલ કરવામાં આવ્યાે હતો.
ભારતીય ક્રિકેટ બોર્ડની નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર અનુસાર સપોર્ટ સ્ટાફના કાર્યકાળને ત્રણ વર્ષ સુધી મર્યાદિત કરવામાં આવ્યો હતો, જેના કારણે ફીલ્ડિંગ કોચ ટી. દિલીપની સાથે સ્ટ્રેંગ્થ અને કન્ડિશનિંગ કોચ સોહમ દેસાઈ પણ પોતપોતાના પદ પર ત્રણ વર્ષથી વધુ સમય પૂર્ણ કર્યા પછી રાજીનામું આપવાનાે છે.


