Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મહિલા ક્રિકેટમાં આજે થઈ રહ્યો છે નવા યુગનો આરંભઃ ડી. વાય. પાટીલમાં થશે ડબ્લ્યુપીએલની આતશબાજી

મહિલા ક્રિકેટમાં આજે થઈ રહ્યો છે નવા યુગનો આરંભઃ ડી. વાય. પાટીલમાં થશે ડબ્લ્યુપીએલની આતશબાજી

04 March, 2023 02:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૌથી પહેલી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે ટક્કર

ગુજરાત જાયન્ટ્સના ફ્રૅન્ચાઇઝીએ ટીમની મેન્ટર મિતાલી રાજ (વચ્ચે) અને ટીમની પ્લેયર હર્લી ગાલા (જમણે) સહિતની ખેલાડીઓનો ડબ્લ્યુપીએલના આરંભ પહેલાંનો વિડિયો મીડિયામાં શૅર કર્યો છે.

વિમેન પાવર

ગુજરાત જાયન્ટ્સના ફ્રૅન્ચાઇઝીએ ટીમની મેન્ટર મિતાલી રાજ (વચ્ચે) અને ટીમની પ્લેયર હર્લી ગાલા (જમણે) સહિતની ખેલાડીઓનો ડબ્લ્યુપીએલના આરંભ પહેલાંનો વિડિયો મીડિયામાં શૅર કર્યો છે.


મેન્સ ક્રિકેટમાં ૨૦૦૮માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની શુભ શરૂઆત થઈ એનાં ૧૫ વર્ષ બાદ હવે વિમેન્સ ક્રિકેટમાં વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)નો આજે આરંભ થઈ રહ્યો છે. મહિલા ક્રિકેટમાં ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગ અને ઇંગ્લૅન્ડની ધ હન્ડ્રેડ નામની પ્રોફેશનલ લીગ ટુર્નામેન્ટ થોડાં વર્ષોથી રમાય છે, પરંતુ આઇપીએલે ક્રિકેટજગત પર જે છાપ પાડી છે એ જોતાં હવે ડબ્લ્યુપીએલ મહિલા ક્રિકેટ વર્લ્ડ પર જોરદાર પ્રભાવ પાડશે એમાં કોઈ શંકા નથી. સૌથી મોટાં બે કારણ એ છે કે આ સ્પર્ધા તમામ દેશોના ક્રિકેટ બોર્ડમાં સૌથી શ્રીમંત બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ની છે અને ભારતની અનેક સ્ટાર ખેલાડીઓ આ સ્પર્ધામાં રમવાની છે. એટલું જ નહીં, વિશ્વભરની સ્ટાર પ્લેયર્સ પણ એમાં રમવા માટે ભારત આવી છે.

હરમનપ્રીતે બે હિસાબ સરખા કરવાના છે



આજે સૌથી પહેલી મૅચ નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ વિમેન અને ગુજરાત જાયન્ટ્સ વિમેન વચ્ચે રમાશે. હરમનપ્રીત કૌર મુંબઈ ઇન્ડિયન્સની અને ઑસ્ટ્રેલિયન બૅટર બેથ મૂની ગુજરાત જાયન્ટ્સની કૅપ્ટન છે. મેન્સ આઇપીએલની જેમ ડબ્લ્યુપીએલમાં પણ દેશ-વિદેશની ખેલાડીઓ મિત્રતાના ભાવ સાથે રમશે, પરંતુ રમત હોય એટલે થોડો જૂનો હિસાબ ચૂકતે તો કરવાનો જ હોય.


તાજેતરમાં સાઉથ આફ્રિકામાં રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ભારતને ઑસ્ટ્રેલિયાની બેથ મૂની અને સ્પિનર ઍશ્લેઇ ગાર્ડનર સૌથી વધુ ભારે પડી હતી. કેપ ટાઉનની એ મૅચમાં ભારત સામે સૌથી વધુ ૫૪ રન બેથ મૂનીએ બનાવ્યા હતા અને ગાર્ડનરે ૩૧ રન બનાવ્યા પછી સ્મૃતિ મંધાના અને રાધા યાદવને આઉટ કરવા ઉપરાંત હરમનપ્રીતને રનઆઉટ કરી હતી. જોકે હરમન પોતાની ભૂલને લીધે જ (ક્રીઝમાં પહોંચતાં પહેલાં જ તેનું બૅટ સ્ટક થઈ જતાં) રનઆઉટ થઈ હતી. તેને ગાર્ડનર અને વિકેટકીપર અલીઝા હીલીએ રનઆઉટ કરી હતી.

હવે હરમનપ્રીતે મુંબઈ ઇન્ડિયન્સ વતી રમીને બેથ મૂની અને ગાર્ડનરનો ફરી સામનો કરવાનો છે. વિમેન્સ ટી૨૦ ક્રિકેટની વર્લ્ડ નંબર-ટૂ બેથ મૂની આજે ડી. વાય. પાટીલમાં મુંબઈ સામે રમનાર ગુજરાત જાયન્ટ્સની કૅપ્ટન છે, જ્યારે ટી૨૦ની વર્લ્ડ નંબર-વન ઑલરાઉન્ડર ગાર્ડનર ગુજરાત જાયન્ટ્સની મુખ્ય ઑલરાઉન્ડર છે.


ફૉર્મેટ વિશે થોડું જાણીએ

ડબ્લ્યુપીએલની તમામ મૅચો મુંબઈના બ્રેબર્ન સ્ટેડિયમ અને નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાશે. સ્પર્ધામાં પાંચ ટીમ રમશે અને કુલ મળીને બાવીસ મૅચ રમાશે. ફાઇનલ ૨૬ માર્ચે બ્રેબર્નમાં રમાશે. રાઉન્ડ-રૉબિન સ્ટેજમાં દરેક ટીમ એકબીજા સામે બે મૅચ રમશે.

પ્રત્યેક ટીમ કુલ ૮ લીગ મૅચ રમશે. સર્વોચ્ચ ટીમ ફાઇનલમાં જશે, જ્યારે સેકન્ડ-થર્ડ નંબરની ટીમ વચ્ચે એલિમિનેટર રમાશે અને એની વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે.

પ્રત્યેક ટીમ પાસે જે સ્ક્વૉડ છે એમાં કુલ મળીને ૧૫થી ૧૮ ખેલાડી છે. દરેક ઇલેવનમાં વધુમાં વધુ ચાર વિદેશી પ્લેયર રાખી શકાશે. જો સ્ક્વૉડમાં અસોસિએટ મેમ્બર-રાષ્ટ્રની ખેલાડી હોય તો તેને ઇલેવનમાં પાંચમી વિદેશી ખેલાડી તરીકે રમાડી શકાશે.

બન્ને સ્ટેડિયમમાં છોકરીઓ અને મહિલાઓને મફત પ્રવેશ મળશે, જ્યારે છોકરાઓ તથા પુરુષોના વર્ગમાંથી દરેકે ટિકિટ ખરીદવી પડશે જેનો ભાવ ૧૦૦ રૂપિયાથી શરૂ થશે.

કોણ કઈ ટીમની કૅપ્ટન?

મુંબઈ ઇન્ડિયન્સ (હરમનપ્રીત કૌર), ગુજરાત જાયન્ટ્સ (બેથ મૂની), રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (સ્મૃતિ મંધાના), દિલ્હી કૅપિટલ્સ (મેગ લૅનિંગ) અને યુપી વૉરિયર્ઝ (અલીઝા હીલી).

આજની બન્ને ટીમની ખેલાડીઓમાં કોણ-કોણ?

મુંબઈ ઇન્ડિયન્સ : હરમનપ્રીત કૌર (કૅપ્ટન), યાસ્તિકા ભાટિયા, હૅલી મેથ્યુઝ, ઍમેલિયા કેર, પ્રિયંકા બાલા, નૅટ સિવર-બ્રન્ટ, ધારા ગજ્જર, ક્લો ટ્રાયૉન, અમનજિત કૌર, પૂજા વસ્ત્રાકર, હુમૈરા કાઝી, જિન્તીમણિ કાલિતા, ઇબાબેલ વૉન્ગ, હીધર ગ્રેહામ, નીલમ બિશ્ત, સોનમ યાદવ અને સૈકા ઇશાક.

ગુજરાત જાયન્ટ્સ : બેથ મૂની (કૅપ્ટન), સોફિયા ડન્ક્લી, ઍશ્લેઇ ગાર્ડનર, ડીઍન્ડ્રા ડૉટિન, એસ. મેઘના, હર્લીન દેઓલ, હર્લી ગાલા, ડી. હેમલતા, સુષમા વર્મા, સ્નેહ રાણા, જ્યૉર્જિયા વેરહમ, ઍનાબેલ સધરલૅન્ડ, તનુજા કંવર, અશ્વાની કુમારી, માનસી જોશી, મોનિકા પટેલ, પરુણિકા સિસોદિયા અને શબનમ શકીલ.

Whatsapp-channel Whatsapp-channel

04 March, 2023 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK