Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ચોમાસામાં લીલોતરી છોડો ને કઠોળ ખાઓ

ચોમાસામાં લીલોતરી છોડો ને કઠોળ ખાઓ

Published : 16 June, 2013 07:59 AM | IST |

ચોમાસામાં લીલોતરી છોડો ને કઠોળ ખાઓ

ચોમાસામાં લીલોતરી છોડો ને કઠોળ ખાઓ




આયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠાર

આ વખતે જરાય રાહ જોવડાવ્યા વિના વરસાદે આગમન કરી લીધું છે. ચોમાસાને રોગોની ઋતુ કહેવાઈ છે અને એટલે જ આ દિવસોમાં ખાવા-પીવામાં શું લેવું અને શું ન લેવું એની સારીએવી કાળજી રાખવી જરૂરી ગણાય છે. પૌરાણિક શાસ્ત્રોમાં પણ ચાતુર્માસના આહાર-વિહાર બાબતે વિગતે સમજણ અપાઈ છે. આપણે જો તિથિ-તારીખ પ્રમાણે જ ચાતુર્માસની રાહ જોતા હોઈએ તો હજી ચાતુર્માસ શરૂ નથી થયા, પણ વરસાદ તો આવી જ ગયો છે. એટલે અત્યારથી જ ચાતુર્માસના નિયમોનો અમલ શરૂ કરી દેવો સ્વસ્થ રહેવા માટે જરૂરી બને છે.

ચાતુર્માસનો સૌથી કૉમન નિયમ જે હવે જગજાહેર થઈ ગયો છે એ છે લીલોતરી ન ખાવી. પાનવાળી ભાજીઓ જેવી કે પાલક, મેથી, મૂળા, કોથમીર વગેરે વજ્ર્ય ગણવાં. લીલી શાકભાજીઓ પણ ક્વૉલિટીવાળી અને શુદ્ધ મળતી ન હોવાથી એને બદલે આ સીઝનમાં કઠોળ ખાવાં જોઈએ. મતલબ કે આ સીઝન લીલોતરીનું પ્રમાણ ઘટાડીને કઠોળ ખાવાની છે. સમસ્યા એ છે કે આ સીઝનમાં પાચનતંત્ર જોઈએ એટલું સતેજ નથી હોતું એટલે વધુ માત્રામાં કઠોળ ખાવામાં આવે તો અપચો અને ગૅસની તકલીફો થાય છે. કેટલાંક કઠોળ પણ પચવામાં ભારે અને વાયુકર હોવાથી જો એને યોગ્ય રીતે રાંધવામાં ન આવે તો તકલીફ કરે છે. ચાલો, આજે જોઈએ કે રોજિંદા જીવનમાં કઠોળ કયાં ખાવાં, કેટલાં ખાવાં, ક્યારે ખાવાં, કેવી રીતે રાંધીને ખાવાં અને કોણે ખાવાં કે ન ખાવાં.

મગ

સૌથી પહેલાં આપણે કઠોળનો રાજા એટલે કે મગ વિશે જોઈએ. આયુર્વેદે રોજિંદા આહારમાં મગને આગવું સ્થાન આપ્યું છે. મગ, મગની દાળ, મગની દાળનું ઓસામણ, છૂટી દાળ, ખીચડી જેવી રોજિંદી આઇટમો ઉપરાંત મગની દાળનાં વડાં, પાપડ કે મગજ, મગની દાળનો શીરો જેવી ચીજો પહેલાંના જમાનાથી ફેમસ છે. મગનો ખાસ ગુણ છે કે એ સદા પથ્ય છે. એટલે કે કોઈ પણ સીઝનમાં અને લગભગ તમામ લોકો માટે સારા છે. બારે માસ, દિવસના ત્રણેય ટંક એટલે કે સવાર-બપોર-સાંજના ભોજનમાં, સાજે-માંદે, બાળપણ-યૌવન-વૃદ્ધાવસ્થા એમ તમામ અવસ્થાઓમાં મગ સુપાચ્ય છે. મગ લાવે પગ એ કહેવત તો સૌને યાદ જ હશે.

મગ ઠંડા હોવાથી એ પિત્તના રોગોમાં, પિત્તની ઋતુમાં અને પિત્તપ્રકૃતિના લોકો પણ છૂટથી ખાઈ શકે છે. જોકે એને બનાવવામાં તેલ-મસાલા નાખવામાં આવતા હોવાથી એ ઠંડા પણ નથી પડતા. રુક્ષ ગુણને કારણે મગ થોડાક પ્રમાણમાં વાયુ કરે છે, પણ સાથે કફ મટાડે પણ છે. તમામ કઠોળમાંથી મગ સૌથી ઓછા વાયુકર છે. મધુર સ્વાદને કારણે એ પિત્તનું શમન કરે છે. તૂરા રસને કારણે એ પિત્ત અને કફ બન્નેનું શમન કરે છે.

ચણા

મગ પછી બીજા નંબરનું કઠોળ વપરાય છે ચણા. આખા ચણા અને ચણાની દાળની બનાવટો આપણે ત્યાં પુષ્કળ વપરાય છે. જોકે એ સદા પથ્ય નથી એટલે ગમે એ સીઝનમાં, નબળી પાચનશક્તિ હોય ત્યારે ખાવામાં આવે તો પેટની તકલીફો વધારે જ છે. વાયુને કારણે થતો કોઈ પણ રોગ હોય તો ચણા ન ખાવા જોઈએ. એ હલકા, લૂખા અને ઠંડા હોવાથી પુષ્કળ વાયુકર છે. સમસ્યા એ છે કે ચણા રુચિકર હોવાથી ચણાની દાળમાંથી બનેલી વાનગીઓ જીભને ખૂબ ભાવે છે અને પેટને બગાડે છે. લગભગ તમામ પ્રકારનાં ફરસાણમાં ચણાનો લોટ વપરાય છે. ચણાના લોટની મીઠાઈમાં ગોળ અને ઘી આવવાથી એનો વાયુકર ગુણ થોડોક ઘટે છે.

ચણાના સારા ગુણ મેળવવા હોય તો એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પ્રમેહ, લોહીવિકાર, રક્તપિત્ત, કફ અને પિત્તમાં થોડીક માત્રામાં ખાવાથી ફાયદો કરે છે. નબળી પાચનશક્તિવાળા તેમ જ વૃદ્ધાવસ્થામાં ચણાની વાનગીઓ ઓછી માફક આવે છે.

તુવેર

ગુજરાતીઓના ઘરે તો રોજ સવારે મોટા ભાગે તુવેરની દાળ જ બને છે, જે યોગ્ય નથી. તુવેરની દાળ પથ્ય છે, પણ થોડાક પ્રમાણમાં. એ હળવી, લૂખી અને ઠંડી હોવાથી વાયુ કરે છે. એ રુચિકર અને વર્ણ સુધારનારી છે, પણ એ કબજિયાત અને ગૅસ કરવાનો અવગુણ ધરાવે છે. ચામડીના રોગોમાં તુવેરની દાળ નમક નાખ્યા વિના લેવામાં આવે તો એ હિતાવહ છે.

અડદ

એ ગરમ, સ્નિગ્ધ, પચવામાં ભારે, વાતહર અને પિત્તકર હોવાથી બળ, પુષ્ટિ, માંસ અને જાતીય શક્તિ વધારે છે. એટલે જ શિયાળામાં અડદનું સેવન સૌથી શ્રેષ્ઠ મનાયું છે. અડદ પચવામાં ભારે હોવાથી ચોમાસામાં ઓછાં ખાવાં. વળી એ કફકારક, પિત્તકારક છે. શુક્રધાતુ વધારનારા છે. જોકે એ જડતાપ્રદ એટલે કે શરીર અને મગજ બન્નેમાં જડતા લાવનારાં છે. એના વધુપડતા સેવનથી યાદશક્તિ બગાડે છે.            

અન્ય કઠોળો


મઠ : મગ જેવા ગુણવાળા માનવામાં આવતા મઠ મગ કરતાં વધુ વાયુકર છે. એ કબજિયાત કરે છે. કફઘ્ન અને પિત્તઘ્ન છે. એ જઠરાગ્નિ મંદ કરી નાખે છે. મઠ પચ્યા પછી મધુર વિપાકી છે અને એના વધુપડતા સેવનથી કૃમિ થાય છે. તાવ ઊતર્યા પછી મગની જેમ મઠનું પાણી પણ આપી શકાય છે.

મસૂર : કેસરી રંગની આ દાળ પચ્યા પછી મધુર વિપાકની છે. ઝાડા થયા હોય ત્યારે એ હિતાવહ છે કેમ કે એમાં મળ બાંધવાનો ગુણ છે. એટલે જ કબજિયાત રહેતી હોય તો મસૂરનું સેવન ન કરવું જોઈએ. એ ઠંડી, હળવી, લૂખી, વાયુકર, કફઘ્ન, પિત્તઘ્ન છે.

ચોળા : આ કઠોળ ખાસ કરીને ડિલિવરી પછી સ્ત્રીઓ માટે ગુણકારી છે. એમાં દૂધ વધારવાનો ગુણ છે. એ બળ આપનારાં છે.

ફણગાવેલાં નહીં


કહેવાય છે કે કઠોળ ફણગાવીને ખાઈએ તો એ વધુ સ્વાસ્થ્યપ્રદ અને બળપ્રદ હોય છે. શિયાળામાં ફણગાવેલાં કઠોળ કાચાં કે અધકચરાં રાંધીને ખાઈ શકાય, પરંતુ ચોમાસા માટે ફણગાવેલાં કઠોળ હિતકર નથી. આધુનિક ન્યુટ્રિશન વિજ્ઞાન કહે છે કે ફણગાવવાથી કઠોળમાંનાં વિટામિન્સ અને પોષકતત્વોની માત્રા અનેકગણી વધી જાય છે જે એક રીતે સાચી વાત છે. જોકે ચોમાસામાં ફણગાવવાની પ્રક્રિયા માટે વપરાયેલું પાણી જો યોગ્ય ન હોય અથવા તો એને યોગ્ય રીતે રાંધવામાં ન આવે તો એ ઊલમાંથી ચૂલમાં પડવા જેવું બની શકે છે. ધારો કે ખાવાં જ હોય તો એને યોગ્ય રીતે રાંધીને લેવાં જોઈએ.

કઠોળ રાંધવાની રીત

મગ, મઠ, તુવેર, વટાણા, ચણા એમ દરેક કઠોળ વધતે-ઓછે અંશે વાયુકર છે. કઠોળ પકાવવા માટે ગાયનું ઘી કે તલનું તેલ જ વાપરવું જોઈએ. હિંગ, રાઈ અને લસણથી વઘાર કરવો તેમ જ ખાતાં પહેલાં ઉપરથી લીંબુ નિચોવવું. આટલી કાળજી રાખવાથી કઠોળનો વાયુકર ગુણ શમે છે અને એના સારા ગુણની અસર થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2013 07:59 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK