Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > પ્રેગ્નન્સીમાં જેઠીમધ લેવાથી બાળકને નુકસાન થાય?

પ્રેગ્નન્સીમાં જેઠીમધ લેવાથી બાળકને નુકસાન થાય?

Published : 11 February, 2017 08:04 PM | IST |

પ્રેગ્નન્સીમાં જેઠીમધ લેવાથી બાળકને નુકસાન થાય?

પ્રેગ્નન્સીમાં જેઠીમધ લેવાથી બાળકને નુકસાન થાય?



pregnancy


આયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠારી


થોડા સમય પહેલાં મૉડર્ન મેડિસિનના સાયન્ટિસ્ટોએ કરેલા તારણમાં જેઠીમધને ગર્ભાવસ્થામાં નુકસાન કરનારું કહેવામાં આવ્યું છે. એવું કહેવાયું છે કે ગર્ભાવસ્થા દરમ્યાન વધુપડતી માત્રામાં જેઠીમધ લેનાર મહિલાનાં સંતાનોનો ઇન્ટેલિજન્સ ક્વૉશન્ટ એટલે કે બુદ્ધિકઆંક ૭ પૉઇન્ટ જેટલો ઓછો હોય છે. અમેરિકન જર્નલ ઑફ એપિડેમિયોલૉજીમાં છપાયેલા આ અભ્યાસમાં તો એટલે સુધી કહેવામાં આવ્યું છે કે ગર્ભાવસ્થા દરમ્યાન જે મહિલાઓ જેઠીમધ ખૂબ લેતી હોય છે તેમની દીકરીઓની પ્યુબર્ટી એજ પણ વહેલી આવી જાય છે. ફિનલૅન્ડની યુનિવર્સિટીના આ અભ્યાસુઓએ આ બધા માટે ગ્લાયસિરિઝિન નામના દ્રવ્યને જવાબદાર ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે રોજનું ૫૦૦ મિલીગ્રામ કરતાં વધુ ગ્લાયસિરિઝિન લેતી મહિલાઓમાં આ આડઅસર જોવા મળી છે. અભ્યાસુઓએ ૪૫૧ મહિલાઓનો અભ્યાસ કર્યો હતો જેમનાં બાળકો ૧૦થી ૧૨ વર્ષનાં હતાં. જે મહિલાઓએ ખૂબ ઓછું કે નહીંવત્ માત્રામાં જેઠીમધ લીધું હતું તેમનાં સંતાનો કરતાં છૂટથી જેઠીમધ લેનારી મહિલાઓનાં બાળકોનો બુદ્ધિકઆંક ઓછો હોવાનું તારવવામાં આવ્યું છે. આમ થવાનું કારણ પણ વૈજ્ઞાનિકોએ આપ્યું છે. સામાન્ય રીતે સ્ટ્રેસ હૉમોર્ન કૉર્ટિસોલ ગર્ભસ્થ બાળકને માઠી અસર ન પહોંચાડે એ માટે ખાસ એન્ઝાઇમનો સ્રાવ થાય છે. આ એન્ઝાઇમ સ્ટ્રેસ હૉમોર્ન કૉર્ટિસોલને ઇનઍક્ટિવ બનાવીને કૉર્ટિસોન બનાવી દે છે, પરંતુ સંશોધકોનું કહેવું માનીએ તો જેઠીમધમાંનું ગ્લાયસિરિઝિન કેમિકલ આ પ્રક્રિયા બ્લૉક કરતું હોવાથી સ્ટ્રેસ હૉમોર્ન કૉર્ટિસોલની માત્રા વધી જાય છે અને બાળક પર સ્ટ્રેસની માઠી અસર પેદા થાય છે જેને કારણે મગજનું ન્યુરોડેલવપમેન્ટ અસર પામે છે. સંશોધકોએ તો એવો પણ દાવો કર્યો છે કે આ બાળકોમાં અટેન્શન ડેફિસિટ હાઇપરસેન્ટિવિટી ડિસઑર્ડર થવાનું જોખમ પણ વધી જાય છે. ક્યાંક એવું પણ કહેવાયું છે કે જેઠીમધથી હાઇપરટેન્શન થાય છે.

ઉપરોક્ત અભ્યાસને વાંચીએ તો લાગે કે જેઠીમધ એ કોઈ ઔષધ નહીં, પણ ઝેર હોવું જોઈએ. જોકે એવું માનીને ગભરાઈ જવાની જરૂર નથી. ઇન ફૅક્ટ, આપણા પૌરાણિક આયુર્વેદશાસ્ત્રમાં ગર્ભાવસ્થામાં જેઠીમધ લેવાથી ફાયદો થતો હોવાનું જણાવ્યું છે. નવેનવ મહિના દરમ્યાન બાળકના શારીરિક-માનસિક વિકાસ માટે જરૂરી પરંપરાગત ઔષધિઓનો ઉલ્લેખ થયો છે એ તમામમાં જેઠીમધનો સમાવેશ થયો છે. ઉપરોક્ત અભ્યાસથી લગભગ તદ્દન વિપરીત ઉલ્લેખ એમાં છે. બાળક અને મા બન્નેના સ્વાસ્થ્યને મદદરૂપ થાય એવી અનેક ઔષધિઓમાં જેઠીમધ વપરાય છે.

આવો વિરોધાભાસ હોય ત્યારે શું સાચું અને શું ખોટું એ નક્કી કરવું મુશ્કેલ થઈ જાય. મને લાગે છે કે કોઈ પણ અભ્યાસની સત્યતા તપાસવા માટે એ અભ્યાસ કઈ રીતે કરવામાં આવ્યો છે એનો પણ તાગ મેળવવો જરૂરી છે. એ અભ્યાસનું વિfલેષણ કરતાં પહેલાં જેઠીમધ વિશેની કેટલીક ખાસિયતો જાણી લઈએ.

 જેઠીમધને અંગ્રેજીમાં લિકરિસ, સંસ્કૃતમાં યષ્ટિમધુ અને હિન્દીમાં મૂલેઠી કહેવાય છે. એનું બૉટનિકલ નામ છે ગ્લાયસિરિયા ગ્લૅબ્રા. એનો સાદી ભાષામાં અર્થ થાય છે મીઠાં મૂળ. આ વનસ્પતિનાં મૂળિયાં જ ઔષધ માટે વપરાય છે. એમાં ગ્લાયસિરિઝિન નામનું કુદરતી કેમિકલ રહ્યું છે જે નૅચરલ શુગર કરતાં ૩૦થી ૪૦ ગણું ગળ્યું છે. જ્યારે વધુપડતી મીઠાશ એકઠી થાય તો એનો સ્વાદ કડવો-તૂરો થઈ જાય છે એટલે જ જેઠીમધના મૂળને કુદરતી ફૉર્મમાં ચાખવામાં આવે તો એ મીઠાં-તૂરાં-કડવાં લાગે છે. એ શીતળ અને મધુર છે જેને કારણે એ ઍસિડિટી, ત્વચાવિકાર, ઇન્ફ્લમેશન જેવી સમસ્યાઓમાં છૂટથી વપરાય છે. આયુર્વેદમાં મૂલેઠી અનેક રોગોની સારવારમાં વપરાય છે, પણ એ ઔષધપ્રયોગો વિશે આપણે ફરી ક્યારેક જાણીશું. આપણે ત્યાં જેઠીમધના મૂળનું ચૂર્ણ અથવા તો એનો શીરો બનાવીને લેવામાં આવે છે. ભારતમાં આ દ્રવ્ય ખરા અર્થમાં આયુર્વેદિક હર્બ તરીકે જ વધુ પ્રચલિત છે, જ્યારે પશ્ચિમના દેશોમાં એના કુદરતી ગળપણને કારણે એ મોટા ભાગે ફ્લેવર અને કૅન્ડી સ્વરૂપે વધુ વપરાય છે.

હવે પશ્ચિમના દેશોના અભ્યાસમાં જે મહિલાઓ દ્વારા જેઠીમધ લેવાની વાત કરવામાં આવી છે એ મોટા ભાગે કૅન્ડીનું ફૉર્મ છે. અમેરિકા, યુરોપ અને બ્રિટનમાં લિકરિસનો અર્ક કૅન્ડીના ફ્લેવરિંગ માટે વધુ વપરાય છે. ઘણી જગ્યાઅઅ એનો ઉપયોગ સિગારેટ અને તમાકુની બનાવટોને ખાસ સુગંધ આપવામાં પણ થાય છે. કૅન્ડીરૂપે જ્યારે લિકરિસ લેવાય ત્યારે એમાં ગ્લાયસિરિઝિન કેમિકલની સાંદ્રતા ખૂબ વધુ હોય છે. પશ્ચિમના દેશોમાં બ્લૅક લિકરિસ એ કૅન્ડી તરીકે વધુ જાણીતી છે. આ કૅન્ડી બનાવવા માટે એમાં અનેક પ્રિઝર્વેટિવ્સ અને એડિટિવ્સ ઉમેરવામાં આવ્યાં હોય છે. યુરોપિયન દેશોમાં તો સૉલ્ટી લિકરિક પણ બહુ ફેમસ છે. આ કૅન્ડી ખારી અને મીઠી ગોળીઓ જેવી હોય છે. એમાં ઍમોનિયમ ક્લોરાઇડ અને પોટૅશિયમ સૉર્બેટ જેવાં મિનરલ્સ, ઇમલ્સિફાયર તરીકે સોયાબીનમાંથી મેળવેલું લિસિથિન, નમક, ઑઇલ, વરિયાળીનો અર્ક અને અન્ય ફ્લેવર્સ ઉમેરવામાં આવી હોય છે.

કહેવાનો મતલબ એ છે કે ભારતમાં જેઠીમધનો ઉપયોગ અને વિદેશોમાં જેઠીમધનો ઉપયોગ સંપૂર્ણપણે વિભિન્ન ફૉર્મમાં થાય છે. આયુર્વેદિક ઔષધોમાં વપરાતું જેઠીમધ પ્યૉર ફૉર્મમાં હોય છે. વિદેશોમાં ધૂમ વેચાતી લિકરિસ કૅન્ડીમાં ભરપૂર એડિટિવ્સ, પ્રિઝર્વેટિવ્સ અને ફ્લેવર્સ ઉમેરવામાં આવે છે એટલું જ નહીં, એમાં ગ્લાયસિરિઝિન કેમિકલની સાંદ્રતા પણ વધુ હોય છે. કેટલીક લિકરિસ કૅન્ડીમાં તો હકીકતમાં કુદરતી ગ્લાયસિરિઝિન નહીં, આર્ટિફિશ્યલ કેમિકલ્સ વપરાયાં હોય છે. સૉલ્ટ, ઍમોનિયમ ક્લોરાઇડ અને પોટૅશિયમ સૉર્બેટ જેવાં કેમિકલ્સવાળી કૅન્ડી ખાધા પછી બ્લડપ્રેશર વધે એ સ્વાભાવિક છે. એનો મતલબ એ જરાય નથી કે એમાં વપરાતું લિકરિસ હાઇપરટેન્શન પેદા કરે છે. અભ્યાસમાં કહેવાયું છે કે ૫૦૦ મિલીગ્રામ જેટલું ગ્લાયસિરિઝિન લેવાથી બાળક અને માના સ્વાસ્થ્ય પર જોખમ પેદા થાય છે. કૅન્ડીમાં અતિશય સાંદ્રતાને કારણે આટલું ગ્લાયસિરિઝિન પેટમાં જાય એ શક્ય છે, પણ જો એટલું જ ગ્લાયસિરિઝન લેવું હોય તો તમારે અઠવાડિયે કુદરતી જેઠીમધનું ચૂર્ણ ૨૫૦ ગ્રામ જેટલું ફાકવું પડે, જે શક્ય નથી.

ટૂંકમાં કહીએ તો, આયુર્વેદિક અપ્રોચની વાત કરું તો કુદરતી ફૉર્મમાં જેઠીમધ એ નિદોર્ષ અને અકસીર ઔષધ છે. જ્યારે આવું કહેવામાં આવે છે ત્યારે એ દ્રવ્યના ફાકડેફાકડા મારવામાં વાંધો નથી એવું માની ન લેવાય. ઍલોપથી દવા હોય કે આયુર્વેદિક ઔષધ, હંમેશાં નિષ્ણાતની નિગરાનીમાં જ એનું સેવન કરવું જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2017 08:04 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK