આસ્થા દેશની ૧૦૦ કરોડમી બેબીનો દરજ્જો ધરાવે છે
આસ્થા અરોરા
શનિવારે આસ્થા અરોરા નામની યુવતીનો જન્મદિવસ હતો. ૨૦૦૦ની ૧૧ મેએ જન્મેલી આસ્થા શનિવારે ૨૪ વર્ષની થઈ હતી. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકો માટે આસ્થા અરોરાનું નામ યાદ રાખવું જરૂરી માનવામાં આવે છે. કારણ એ છે કે તેના જન્મ સાથે ભારતની કુલ વસ્તી ૧૦૦ કરોડની થઈ ગઈ હતી. એટલે કે આસ્થા દેશની ૧૦૦ કરોડમી બેબીનો દરજ્જો ધરાવે છે. દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં તેનો જન્મ થયો હતો. હાલમાં તે એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં નર્સ છે. બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (BBC)ને આપેલા ઇન્ટરવ્યુમાં આસ્થાએ કહ્યું હતું કે ‘મારે ડૉક્ટર બનવું હતું, પણ પેરન્ટ્સને ફી પરવડે એમ નહોતી એટલે મેં નર્સિંગ જૉઇન કર્યું હતું. દર વર્ષે મારા જન્મદિવસે મીડિયાના લોકો અચૂક મને યાદ કરે છે.’

