ધીમે-ધીમે કરીને એ શિકારને પાછો મોં પાસે લાવ્યો. પહેલાં બકરીના પાછલા પગ બહાર આવ્યા અને એ પછી ધીમે-ધીમે આગલા પગ અને માથું બહાર આવી જતાં અજગરે ચેનનો શ્વાસ લીધો.
અજગર
ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના બરદૌલિયા ગામના નાગમણિ આશ્રમ પાસે આવેલા નાળામાં રવિવારે ઢળતી સાંજે એક ઘટના ઘટી જેનો સ્થાનિકોએ વિડિયો લઈ લીધો. આ વિડિયો સોશ્યલ મીડિયામાં જબરો વાઇરલ થયો છે. અજગર લગભગ પંદરથી ૨૦ ફુટ લાંબો હતો. એનું પેટ ખૂબ જ વિચિત્ર રીતે ફૂલેલું હતું. એણે પહેલાં તો જોશ-જોશમાં એક આખી બકરીને ગળી લીધી હતી. જોકે એ પછી બકરી પેટમાં વચ્ચોવચ પહોંચી એટલે પેટમાં તનાવ વધી ગયો. આટલી સાઇઝનો શિકાર ગળી લીધા પછી અજગર આકળવિકળ થઈ રહ્યો હતો. હાલત બગડી રહી હતી અને એ છટપટી રહ્યો હતો. આખરે એણે ઔકાતથી વધુ મોટા શિકારને ઓકી નાખવાનું નક્કી કર્યું. ધીમે-ધીમે કરીને એ શિકારને પાછો મોં પાસે લાવ્યો. પહેલાં બકરીના પાછલા પગ બહાર આવ્યા અને એ પછી ધીમે-ધીમે આગલા પગ અને માથું બહાર આવી જતાં અજગરે ચેનનો શ્વાસ લીધો.
અજગરમાં ઝેર નથી હોતું, પરંતુ એની પકડ અને ગળવાની ક્ષમતા ખૂબ વધારે હોવાથી એ પોતાની ક્ષમતા કરતાં મોટા પ્રાણીનો શિકાર કરી લઈ શકે છે, પરંતુ પેટમાં એટલી જગ્યા ન થતી હોવાથી એ એકસાથે શિકારને પચાવી નથી શકતો.

