કિશોરાવસ્થામાં લગ્નના નિર્ણયો ન લેવાય એ વાત તેને સમજાવવી અઘરી હતી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઉત્તર પ્રદેશના ભાઉપુર ગામમાં ગુરુવારે બપોરે એક ટીનેજરે જબરો તમાશો કર્યો હતો. કહેવાય છે કે કિશોરાવસ્થામાં પ્રેમ થાય ત્યારે એને પામવા માટે કિશોરો સાચું-ખોટું, સારું-ખરાબ કંઈ નથી જોતા. આવું જ કંઈક ૧૫ વર્ષના ટીનેજર સાથે થયું. પોતાના જ ગામની તેનાથી નાની ઉંમરની છોકરી સાથે તેને પ્રેમ હતો. તે ઇચ્છતો હતો કે આ કન્યા સાથે તેનાં લગ્ન થાય. જોકે કિશોરાવસ્થામાં લગ્નના નિર્ણયો ન લેવાય એ વાત તેને સમજાવવી અઘરી હતી. ગુરુવારે બપોરે તેણે ગામની બહાર આવેલા હાઈ-ટેન્શન વાયર પર ચડીને તમાશો કર્યો હતો. વાયર પર ઊંધા ચડીને તેણે ખુલ્લો વાયર પકડી લીધો હતો અને જોરશોરથી ગર્લફ્રેન્ડને લગ્ન માટે હા પાડવા કહેવા લાગ્યો. ગામના લોકોને એની જાણ થતાં વીજળી કેન્દ્રમાં જાણ કરીને વીજળીની સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. લગભગ કલાક સુધી તમાશો કર્યા પછી તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને તેને વાતમાં પળોટીને નીચે ઉતારીને પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો.


