સમગ્ર ઘટના દરમ્યાન પિતા ઝીબ્રા ખૂબ ચિંતા સાથે બેબીની સાથે ને સાથે રહે છે. આ વિડિયો જોઈને ભલભલાનું દિલ બોલી ઊઠશે કે મા તો મા, પિતા પણ વહાલ કરવામાં કંઈ પાછા પડે એમ નથી.
બચ્ચાને વીંછીઓના અટૅકથી બચાવવા માટે ઝીબ્રાની કોશિશ જોઈને દિલ ખુશ થઈ જશે
મા માણસની હોય કે પ્રાણીની, પોતાના સંતાનને બચાવવા માટે કંઈ પણ કરી છૂટવાની મમતા તેનામાં કૂટી-કૂટીને ભરેલી હોય છે. જોકે આવી જ કાળજી પિતા પણ કરી શકે છે. સોશ્યલ મીડિયા પર એવા ઘણા વિડિયો જોવા મળે છે જેમાં પ્રાણીઓ પોતાના બચ્ચાને બચાવવા માટે જાયન્ટ શિકારી પ્રાણીઓ સામે બાથ ભીડી લે છે. આવું જ કંઈક પણ જુદું ઝીબ્રા સાથે બન્યું છે. ઇન્સ્ટાગ્રામ પર @mr_tanveer_09 નામના અકાઉન્ટ પરથી શૅર થયેલો એક વિડિયો છે જેમાં વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરીમાં એક બેબી ઝીબ્રાની ઉપર ઘણાબધા વિકરાળ વીંછીઓ ચડી ગયા છે. બેબી ઝીબ્રાને વિહવળ હાલતમાં જોઈને પિતા ઝીબ્રા દોડી આવે છે અને પોતાના પગથી એ વીંછીઓને હટાવવાની કોશિશ કરે છે. જોકે વીંછીઓ એને મચક નથી આપતા એટલે એ ઝીબ્રા ચોતરફ નજર દોડાવે છે. દૂરથી તેને વિઝિટર્સની જીપ આવતી દેખાય છે. ઝીબ્રા એની સામે દોડી જાય છે અને મદદની ગુહાર લગાવે છે. પહેલાં તો એ જીપમાં બેઠેલા અભયારણ્યના સ્ટાફને સમજાતું નથી, પરંતુ ઝીબ્રા જીપને આગળ ન વધવા દેવા માટે તમામ પ્રયાસ કરે છે. આગળના બે પગે એ જીપ પર ચડી જાય છે. ત્યારે સ્ટાફનો એક મેમ્બર બહાર આવે છે. ઝીબ્રા એ માણસને થોડેક દૂર બેઠેલા બેબી ઝીબ્રા સુધી દોરી જાય છે. સ્ટાફનો મેમ્બર સમસ્યા સમજી જાય છે અને તે જીપમાંથી કોઈ ખાસ કેમિકલ લાવીને બેબી પર છાંટે છે જેનાથી વીંછીઓ ભાગી જાય છે. આ સમગ્ર ઘટના દરમ્યાન પિતા ઝીબ્રા ખૂબ ચિંતા સાથે બેબીની સાથે ને સાથે રહે છે. આ વિડિયો જોઈને ભલભલાનું દિલ બોલી ઊઠશે કે મા તો મા, પિતા પણ વહાલ કરવામાં કંઈ પાછા પડે એમ નથી.


