એક્સપ્રેસ ટ્રેનમાં ટિકિટ ચેકિંગ દરમિયાન મહિલાએ TC સાથે બોલાચાલી બાદ પોતાનાં કપડાં જાતે ફાડી નાખ્યાં અને છેડતીનો આરોપ મૂક્યો. જોકે TCએ ઘટનાનું રેકૉર્ડિંગ કરતાં સમગ્ર મામલો કૅમેરામાં કેદ થઈ ગયો અને હકીકત સામે આવી.
રાધિકા તિવારી
એક્સપ્રેસ ટ્રેનમાં ટિકિટ-ચેકિંગ દરમિયાન એક મહિલા પ્રવાસી અને ટિકિટ-ચેકર (TC) વચ્ચે થયેલા ડ્રામાનો એક ચોંકાવનારો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. ટિકિટ માગવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં મહિલાએ ગુસ્સામાં આવીને જાતે જ પોતાનાં કપડાં ફાડી નાખ્યાં હતાં અને TC પર છેડતીનો આરોપ મૂકીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
જોકે સતર્ક TCએ સમગ્ર ઘટનાનો વિડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લેતાં સત્ય સામે આવી ગયું હતું.
મહિલા પાસે માન્ય ટિકિટ નહોતી. તેણે ટિકિટને બદલે રોકડા પૈસા આપવાની કોશિશ કરી હતી અને પોતાનો ભાઈ રેલવે-કર્મચારી હોવાનો રોફ જમાવ્યો હતો.
TCએ નિયમ મુજબ કાર્યવાહી ચાલુ રાખી એટલે મામલો ગરમાયો હતો. મહિલાએ ફોન પર પોતાના ભાઈ સાથે વાત કરતાં કહ્યું કે TC તેનાં કપડાં ઉતારવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે ૧૧૨ નંબર પર પોલીસ બોલાવવાની ધમકી પણ આપતી સંભળાય છે.
TCએ નામ પૂછતાં તેણે પોતાનું નામ ‘રાધિકા તિવારી’ જણાવ્યું હતું. વિવાદ વધતાં મહિલાએ કૅમેરા સામે જ પોતાનાં કપડાં જાતે ફાડવાનું શરૂ કરી દીધું અને TC પર ગેરવર્તણૂક તેમ જ અયોગ્ય સ્પર્શ કરવાનો આરોપ મૂકવા લાગી.
સદ્નસીબે TC પહેલેથી જ મોબાઇલમાં સમગ્ર ઘટનાનું રેકૉર્ડિંગ કરી રહ્યો હતો, જેને કારણે મહિલાની આખી કરતૂત કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.
