ગામવાસીઓનું કહેવું છે કે આ ઘટના નવી નથી, અહીં તો પાછલાં ૫૦૦ વર્ષથી ગરમ પાણી નીકળે છે. ગામના શિવમંદિરથી ચાર રસ્તા સુધીના એક કિલોમીટર જેટલા વિસ્તારમાં આવેલા બધા નળ ચાલુ કરો એટલે એમાંથી એકદમ ગરમ પાણી નીકળે છે.
ઉત્તર પ્રદેશના આ ગામના નળ અને હૅન્ડપમ્પમાંથી નીકળે છે ઊકળતું પાણી
ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં આવેલું રેવડી કલા ગામ એક અનોખી વાત માટે સમાચારોમાં ચમકી રહ્યું છે. આ ગામના અનેક નળ અને હૅન્ડપમ્પમાંથી ઊકળતું હોય એવું ગરમ પાણી નીકળે છે. જોકે ગામવાસીઓનું કહેવું છે કે આ ઘટના નવી નથી, અહીં તો પાછલાં ૫૦૦ વર્ષથી ગરમ પાણી નીકળે છે. ગામના શિવમંદિરથી ચાર રસ્તા સુધીના એક કિલોમીટર જેટલા વિસ્તારમાં આવેલા બધા નળ ચાલુ કરો એટલે એમાંથી એકદમ ગરમ પાણી નીકળે છે.
શિવમંદિરના પૂજારીનું કહેવું છે કે આ ગરમ પાણી સ્થાનિક અને આસપાસના વિસ્તારોમાં રહેતા શિવભક્તો માટે આસ્થાની બાબત પણ છે. અહીં દરરોજ ૧૦૦ જેટલા ભક્તો સ્નાન કરવા આવે છે. લોકોને આ પાણી પર ઊંડી શ્રદ્ધા છે. લોકમાન્યતા છે કે આ પાણીમાં સ્નાન કરવાથી શરીરના ઘણા રોગો દૂર થાય છે. વૈજ્ઞાનિકોની ટીમોએ પણ આ પાણીનું પરીક્ષણ કરી જોયું છે, પણ પાણી ગરમ હોવાનું ચોક્કસ કારણ જાણી નથી શકાયું. જોકે તેમનું અનુમાન છે કે પાણીમાં ડીઝલનાં તત્ત્વો હોઈ શકે છે જેને કારણે એ ગરમ રહેતું હોય.


