આ સ્ટન્ટમાં જો અડધી સેકન્ડની ગફલત થાય તો કંઈ પણ થઈ શકે એમ છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયા પર ચોંકાવનારા સ્ટન્ટ કરવાના શોખીનોની કોઈ કમી નથી. તાજેતરમાં એક વિડિયો વાઇરલ થયો છે એમાં એક યુવક રોલર સ્કેટ પહેરીને હાઇવે પર સડસડાટ દોડી રહ્યો છે. જોકે એ પછી તે જે કરે છે એ જોઈને ભલભલાના ધબકારા ચુકાઈ જાય એવું છે. તેની બાજુમાંથી બાર પૈડાંવાળી ટ્રેલર ટ્રક પસાર થઈ રહી છે. પહેલાં આ ભાઈ એ ટ્રકને સમાંતર પોતાની સ્પીડ ઍડ્જસ્ટ કરે છે અને પછી કમરેથી વાંકા વળીને ધીમે-ધીમે કરતાં ટ્રકની નીચે ઘૂસી જાય છે. એ દરમ્યાન ટ્રક અને એની બન્નેની સ્પીડ સરખી જ છે. થોડીક વાર ટ્રક નીચે દોડ્યા પછી જેમ અંદર ગયેલો એમ જ ધીમે-ધીમે ખસીને તે ટ્રક નીચેથી નીકળી જાય છે. આ સ્ટન્ટમાં જો અડધી સેકન્ડની ગફલત થાય તો કંઈ પણ થઈ શકે એમ છે. આ વિડિયો ક્યાંનો છે અને કેમ ફિલ્માવાયો છે એની કોઈ માહિતી મળી નથી.

