ટ્રાફિક-પોલીસના અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે અને તેમણે કહ્યું છે કે ‘ગુલશનને દંડ કેવી રીતે ફટકારવામાં આવ્યો એની તપાસ થઈ રહી છે
ગુલશન કેન
આગરામાં હમણાં એક વ્યક્તિની ચર્ચા જામી છે. નામ તેમનું ગુલશન કેન છે. આમ તો તેઓ એક સ્કૂલના સંચાલક છે, પણ તેમના નામની ચર્ચાનું કારણ કંઈક વિચિત્ર છે. હકીકતમાં હેલ્મેટ પહેરીને કાર ચલાવતા ગુલશનનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.
તેમનો દાવો છે કે ટ્રાફિક-પોલીસના કૅમેરામાંથી તેમને ૨૬ નવેમ્બરે ચલાન આવ્યું હતું, જેમાં ૧૧૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને કારણ આપ્યું હતું કે ડ્રાઇવરે હેલ્મેટ પહેરી નથી. જોકે ગુલશન કાર ચલાવે છે, બાઇક નહીં અને એનાથી મોટી વાત એ કે જે વિસ્તારનું ચલાન આવ્યું છે ત્યાં કદી તેઓ ગયા જ નથી. આ વાતથી ગુસ્સે ભરાયેલા ગુલશન ત્યારથી હેલ્મેટ પહેરીને જ ગાડી ચલાવી રહ્યા છે. આ બાબતે ટ્રાફિક-પોલીસના અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે અને તેમણે કહ્યું છે કે ‘ગુલશનને દંડ કેવી રીતે ફટકારવામાં આવ્યો એની તપાસ થઈ રહી છે. જો કોઈ ભૂલ હશે તો એને સુધારવામાં આવશે.’


