યુકેના ડિઝાઇનરે રીસાઇકલ પ્લાસ્ટિકમાંથી વૅનિલા ફ્લેવરનો આઇસક્રીમ બનાવ્યો હોવાનો દાવો કર્યો છે.

રીસાઇકલ પ્લાસ્ટિકમાંથી બનાવ્યો વૅનિલા આઇસક્રીમ
યુકેના ડિઝાઇનરે રીસાઇકલ પ્લાસ્ટિકમાંથી વૅનિલા ફ્લેવરનો આઇસક્રીમ બનાવ્યો હોવાનો દાવો કર્યો છે. આ આઇસક્રીમ જોકે હજી સુધી કોઈએ ચાખ્યો નથી, પરંતુ એ વૅનિલા આઇસક્રીમ જેવો જ હશે. યુકેની સેન્ટ્રલ સેન્ટ માર્ટિન્સ સ્કૂલના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી એલિઓનોરા ઑર્ટોલાની કંઈક અલગ કરવા માગતી હતી, પરિણામે તેણે પ્લાસ્ટિકની મદદથી આઇસક્રીમ બનાવવાનું વિચાર્યું. આ પ્રોજેક્ટને ગિલ્ટી ફ્લેવર્સ નામ આપવામાં આવ્યું હતું. જોકે એને શરૂઆતમાં નિરાશા સાંપડી હતી. પ્લાસ્ટિકને રીસાઇકલ કરવા માટે એને રેઝિન અથવા અન્ય મટીરિયલ સાથે મિક્સ કરવામાં આવે છે. જોકે આ પ્રક્રિયા સમસ્યાને વધુ વકરાવી દે છે. તેણે પ્લાસ્ટિકની બૅગને ખાઈ જાય એવા કૃમિઓ વિશે સાંભળ્યુ હતું અને ત્યારે જ તેણે વિચાર કર્યો કે શું મનુષ્ય પ્લાસ્ટિક ખાઈ શકે એવું કરી શકાય? આવા પ્રોજેક્ટ માટે તેની સાથે કામ કરે એવા વૈજ્ઞાનિકને શોધવાનું પણ પડકારજનક કામ હતું. જોકે તેને લંડન મેટ્રોપૉલિટન યુનિવર્સિટીના ફૂડ સાયન્ટિસ્ટ અને એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધક જોઆના સેડલર મળી ગઈ, જેણે પ્લાસ્ટિકમાંથી કૃત્રિમ વૅનિલિન બનાવવામાં મદદ કરી હતી. સામાન્ય વૅનિલિનનો ઉપયોગ આઇસક્રીમ, ચૉકલેટ, કસ્ટર્ડ બનાવવામાં થાય છે. વૅનિલાના વિકલ્પ તરીકે આનો ઘણો ઉપયોગ છે. વળી વૅનિલિન પણ ક્રૂડ ઑઇલમાંથી બને છે, જેમાંથી પ્લાસ્ટિક બનાવાય છે એથી પ્લાસ્ટિકની રચનાના પરમાણુઓના મજબૂત બૉન્ડને તોડવા માટે તેમને માત્ર એક એન્ઝાઇમની જરૂર હતી, જે એના સ્વરૂપને બદલવામાં મહત્ત્વના ઘટક તરીકે ભાગ ભજવે. એન્ઝાઇમ દ્વારા પ્લાસ્ટિકના બૉન્ડને તોડતાં એ પ્લાસ્ટિક રહ્યું જ નહોતું. વળી એની સુગંધ વૅનિલિન જેવી હતી. જોકે એલિઓનોરા ઑર્ટોલાનીની આ વૅનિલિનને ટેસ્ટ કરી નથી. જોકે પરમાણુઓનું માળખું વેનિલિન જેવું જ છે. હાલ તો પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવેલી વેનિલિનને ફ્રિજમાં મૂકવામાં આવી છે, કારણ કે એ માનવના વપરાશ માટે સલામત છે કે નહીં એના વિશેનો અભ્યાસ કરવાનો બાકી છે.

