યુકે જવા માટે અમદાવાદના યુવાને ૧૫ લાખ રૂપિયા ખર્ચીને બોગસ ડૉક્યુમેન્ટ્સ બનાવ્યા, પણ ઇમિગ્રેશનમાં બનાવટ પકડાઈ જતાં સહાર પોલીસે કરી ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર અમદાવાદનો ૨૬ વર્ષનો યુવાન પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે યુકે જવા ફ્લાઇટ પકડવા આવ્યો હતો. જોકે ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓને તપાસ દરમિયાન ડૉક્યુમેન્ટ્સ બનાવટી હોવાની શંકા જતાં વધુ તપાસ કરવામાં આવી હતી. એમાં તમામ ડૉક્યુમેન્ટ્સ બોગસ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. એની સાથે યુકે જવા માટે યુવાને આશરે ૧૫,૦૦૦ પાઉન્ડ આપીને એજન્ટની મદદથી સ્કિલ વિઝા તૈયાર કરાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. ત્યાર બાદ યુવાનને સહાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. પોલીસે તે યુવાન સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
ઘાટકોપર-વેસ્ટમાં અસલ્ફા વિલેજની એક સોસાયટીમાં રહેતા અને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બ્યુરો કે ઇમિગ્રેશનના અસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઑફિસર ઉદિત સુખપાલ સિંહ ૧૯ સપ્ટેમ્બરે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે વિવિધ ઍરલાઇન્સની ફ્લાઇટ્સ પર વિવિધ દેશોમાં મુસાફરી કરતા મુસાફરોની ઇમિગ્રેશન તપાસ કરી રહ્યા હતા ત્યારે સવારે સાત વાગ્યે અમદાવાદના વેજલપુરમાં રહેતો ચિંતન વાજા ઇમિગ્રેશન ચેક માટે આવ્યો હતો અને ફ્લાઇટના દસ્તાવેજો ઇમિગ્રેશન તપાસ માટે સબમિટ કર્યા હતા. તે દુબઈ જઈ રહ્યો હતો તેમ જ દુબઈથી અન્ય ફ્લાઇટ દ્વારા લંડન જવાનો હતો. દસ્તાવેજો તપાસ્યા ત્યારે એમાં તે સ્કિલ વિઝા પર જતો હોવાનું જણાયું હતું. ચિંતનને યુકે જવા પાછળનો હેતુ પૂછવામાં આવ્યો ત્યારે તેની પાસેથી કોઈ સંતોષકારક માહિતી મળી નહોતી. ત્યાર બાદ વિંગ ઇન્ચાર્જ ગિરીશ રાજપૂત અને ડ્યુટી ઑફિસર ફૈઝ અહેમદ અને પ્રોફાઇલિંગ ઑફિસર રિતેશ રંજનીએ તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે ચિંતનનું અમદાવાદમાં ૨૦૨૦માં માસ્ટર્સ ડિગ્રીનું શિક્ષણ થયું હતું. શિક્ષણ પૂરું કર્યા બાદ તે ઉજ્જવળ ભવિષ્ય માટે યુકેમાં સ્થળાંતર કરવા માગતો હતો. આ માટે તેણે ચાર મહિના પહેલાં સુરતના એજન્ટ કરણ ડોડિયાનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ એજન્ટે તેને ૧૫,૦૦૦ પાઉન્ડની ફી લીધા બાદ બનાવટી શૈક્ષણિક દસ્તાવેજો આપ્યા હતા. અંતે તમામ માહિતી સામે આવ્યા બાદ આ ઘટનાની જાણ સહાર પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
સહાર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં અન્ય લોકોની પણ સંડોવણી હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે. આવતા વખતમાં આ કેસમાં વધુ આરોપીઓની ધરપકડ થઈ શકે છે.’