નોકરીમાં મોડા આવતા જવાનને નોટિસ મળી તો તેણે જવાબમાં કહ્યું...
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશમાં કામ કરતો અર્ધ લશ્કરી દળનો એક જવાન રોજ બ્રીફિંગમાં મોડો પહોંચતો હોવાથી તેને મોડા આવવા માટે કારણ પૂછવામાં આવ્યું હતું અને એનો જે જવાબ તેણે સિનિયરોને આપ્યો એનાથી તેઓ ડઘાઈ ગયા હતા. તેણે જવાબમાં લખ્યું હતું કે રાતે ઊંઘ આવતી નથી, પત્ની સાથે ઝઘડો ચાલી રહ્યો છે, પત્ની મને મારવાના ઇરાદા સાથે સપનામાં આવીને મારી છાતી પર બેસી જાય છે અને મારું લોહી પીવાનો પ્રયાસ કરે છે.
આ જવાબ હાલમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. જવાનને ૧૭ ફેબ્રુઆરીએ નોટિસ આપવામાં આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે ૧૬ ફેબ્રુઆરીએ સવારે ૯ વાગ્યે તમે બ્રીફિંગમાં મોડા પહોંચ્યા હતા, દાઢી પણ કરી નહોતી અને યુનિફૉર્મ પણ બરાબર પહેર્યો નહોતો… સામૂહિક કાર્યોમાં પણ તમે મોડા પહોંચો છો અને એ કર્તવ્ય પ્રત્યે ઘોર લાપરવાહી પ્રદર્શિત કરે છે... આ સંબંધે લેખિતમાં એક દિવસમાં જવાબ આપવાનો રહેશે.
ADVERTISEMENT
આ નોટિસના જવાબમાં જવાને લખ્યું હતું કે ‘૧૬ ફેબ્રુઆરીએ બ્રીફિંગમાં ન પહોંચવાનું કારણ રાતે ઊંઘ નહીં આવી એ છે. મારો પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો છે. મારી પત્ની મારા સપનામાં જાનથી મારી નાખવાના ઇરાદાથી મારી છાતી પર બેસીને મારું લોહી પીવાનો પ્રયાસ કરે છે. એને કારણે હું રાતે ઊંઘી શકતો નથી અને સમયસર ડ્યુટી પર પહોંચી શકતો નથી. મારી ડિપ્રેશન અને ચીડિયાપણાની દવા ચાલી રહી છે. મારી માતાને નસોની બીમારી છે. મને પણ આઘાત લાગ્યો છે. આપને અનુરોધ છે કે કોઈ યોગ્ય રસ્તો બતાવશો, જેથી મને મુક્તિ મળી શકે.’

