ઇન્દ્રાવતી નામની મહિલા પચીસ વર્ષના બૉયફ્રેન્ડ સાથે ભાગી ગઈ હતી.
ઇન્દ્રાવતી
ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં બાવન વર્ષની ઇન્દ્રાવતી નામની મહિલા પચીસ વર્ષના બૉયફ્રેન્ડ સાથે ભાગી ગઈ હતી. આ યુવક સંબંધમાં તેનો પૌત્ર હતો. આ યુવક સાથે ઇન્દ્રાવતીએ ત્રીજાં લગ્ન પણ કરી લીધાં છે જેને કારણે આખા વિસ્તારમાં આ અનોખા સંબંધની ચર્ચા ચગી છે. આ મહિલાને ચાર સંતાનો હતાં. તે સંતાનો અને પતિ બધાંને છોડીને બૉયફ્રેન્ડ સાથે ભાગી ગઈ છે.
ઇન્દ્રાવતીનાં આ ત્રીજાં લગ્ન છે. દસ દિવસ પહેલાં પ્રતાપપુર બેલવરિયાની દલિત વસ્તીમાં રહેતી ચાર બાળકોની માએ ગામમાં જ રહેતા અને દૂરના સંબંધમાં પૌત્ર થાય એવા યુવક સાથે ભાગીને લગ્ન કર્યાં હતાં. બન્નેએ ગોવિંદ સાહબ મંદિરમાં લગ્ન કર્યાં હતાં. પહેલા લગ્નથી ઇન્દ્રાવતીને એક દીકરી હતી. એ પછી તેનાં લગ્ન ચંદ્રશેખર સાથે થયાં હતાં. બીજા પતિથી તેને એક દીકરી અને બે દીકરા હતાં. હવે તેને પચીસ વર્ષના આઝાદ સાથે પ્રેમ થઈ ગયો છે અને આઝાદ સંબંધમાં તેનો પૌત્ર થાય છે. ગામલોકોના કહેવા મુજબ એક જ ગામ અને જ્ઞાતિના હોવાના નાતે તે બન્નેમાં દાદી-પૌત્રનો સંબંધ થાય, પરંતુ ગયા રવિવારે તેમણે સમાજ અને પરિવારની પરવા કર્યા વિના મંદિરમાં જઈને લગ્ન કરી લીધાં હતાં. આખા ગામના દલિત સમાજે તેમનો બહિષ્કાર કરવાનું નક્કી કરી દીધું છે. ઇન્દ્રાવતીના બીજા પતિ ચંદ્રશેખરનું કહેવું છે કે ‘કમાવા માટે તે બીજા શહેરમાં રહેતો હતો એ ગાળામાં પત્નીનું પાડોશમાં રહેતા આઝાદ સાથે પ્રેમપ્રકરણ શરૂ થઈ ગયું હતું. મારી પત્ની તેના પ્રેમી સાથે મળીને અમને લોકોને મારવાનો પ્લાન બનાવી રહી હતી. તેણે મને અને ત્રણ બાળકોને ઝેર આપીને મારવાનો પ્લાન કરેલો, પણ અમને ખબર પડી જતાં અમારો જીવ બચી ગયો.’

