એક બૉટલમાં તેણે માનાં અસ્થિ સાથે એક ચિઠ્ઠી લખી હતી, ‘આ મારી મા છે. તેને પાછી બૉટલમાં ભરીને દરિયામાં મૂકી દેજો. તે દુનિયાની યાત્રા કરી રહી છે.’
મમ્મીનાં અસ્થિઓને બૉટલમાં ભરીને દરિયાઈ યાત્રાએ મોકલી દીધાં
બ્રિટનની કૅરા મેલિયા નામની ૨૪ વર્ષની યુવતીએ તેની મમ્મી વૅન્ડી ચૅડવિકની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે અનોખો તરીકો અપનાવ્યો છે. ફેબ્રુઆરીમાં તે લાંબી બીમારી પછી મૃત્યુ પામી ત્યારે તેની ઇચ્છા હતી દુનિયાની યાત્રાએ નીકળવાની. જોકે માંદગીને કારણે તે ન જઈ શકી. જોકે તેની દીકરી કૅરાએ મમ્મીની આ ઇચ્છાની મરણોત્તર પૂર્તિ માટે કંઈક નવું ગતકડું શોધી કાઢ્યું. ભલે મમ્મી સદેહે દુનિયા ન ફરી શકી, પણ તેણે મમ્મીનાં અસ્થિઓને સૈર કરાવવા દરિયામાં મોકલી આપ્યાં હતાં. એક બૉટલમાં તેણે માનાં અસ્થિ સાથે એક ચિઠ્ઠી લખી હતી, ‘આ મારી મા છે. તેને પાછી બૉટલમાં ભરીને દરિયામાં મૂકી દેજો. તે દુનિયાની યાત્રા કરી રહી છે.’
કૅરાએ આ બૉટલ સ્કૅગનેગ બીચ પર દરિયામાં છોડી દીધી હતી, પણ ૧૨ કલાકમાં આ બૉટલ કોઈકના હાથમાં આવી ગઈ. તેણે ફેસબુક પર આ બૉટલ અને એના ફોટો લઈને લખ્યું હતું, ‘સૂચના અનુસાર આ મહિલાને અમે પાછી બૉટલમાં ભરીને દરિયામાં છોડી દીધી છે. આશા છે કે કૅરાની મમ્મીની યાત્રા સુખદ રહે.’

