આ જાદુગરો આંખે પાટા બાંધીને જાદુ અને ભક્તિનું અદ્ભુત ઉદાહરણ બતાવીને સતત બાઇક ચલાવી રહ્યા છે.
હૈદરાબાદથી બે જાદુગરો મોટરસાઇકલ પર અયોધ્યા જવા નીકળ્યા છે
અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા બાદ દેશના ખૂણે-ખૂણેથી રામભક્તો પોતાની રીતે અયોધ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. આ કડીમાં હૈદરાબાદથી બે જાદુગરો મોટરસાઇકલ પર અયોધ્યા જવા નીકળ્યા છે. આમાં નોંધનીય બાબત એ છે કે આ જાદુગરોએ તેમની આંખો કાળી પટ્ટીથી ઢાંકી છે અને આખું મોઢું કાળા માસ્કથી ઢાંકેલું છે.
હૈદરાબાદના પ્રસિદ્ધ જાદુગરો મારુતિ જોશી અને રામકૃષ્ણએ ૨૩ ફેબ્રુઆરીએ હૈદરાબાદથી તેમની ૧૬૦૦ કિલોમીટરની યાત્રા શરૂ કરી હતી જેમાં તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ આ યાત્રા આંખે પાટા બાંધીને અને મોં પર માસ્ક લગાવીને કરશે. અયોધ્યા પહોંચ્યા બાદ તેઓ મંદિરમાં રામલલ્લાની સામે જ આંખની પટ્ટી હટાવશે અને પહેલાં તેમનાં જ દર્શન કરશે. અયોધ્યા તરફના તેમના પ્રયાણ દરમિયાન આ જાદુગરોએ એક વખત પણ તેમની પટ્ટી હટાવી નથી. આ જાદુગરો આંખે પાટા બાંધીને જાદુ અને ભક્તિનું અદ્ભુત ઉદાહરણ બતાવીને સતત બાઇક ચલાવી રહ્યા છે. નવ દિવસની યાત્રા આજકાલમાં પૂરી થાય એવી શક્યતા છે.
ADVERTISEMENT
મારુતિ જોશીનું કહેવું છે કે અમે સફર શરૂ કરી હતી અને આખા પ્રવાસ દરમિયાન જ્યાં પણ રોકાયા ત્યાં નાના મૅજિક શો અને રામના નામનાં વખાણ કરતા હતા. આ જાદુગર ભક્તો આંખો પર કાળો માસ્ક લગાવીને જ્યાં પણ જાય છે ત્યાં લોકો એ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે તેઓ જોયા વગર કેવી રીતે મુસાફરી કરી શકે છે. મારુતિ જોશીના કહેવા મુજબ તેમના જાદુમાં બ્લાઇન્ડ ફોલ્ડ નામની ટ્રિક હોય છે જેમાં જાદુગર પોતાની આંખે પાટા બાંધીને ટ્રિક કરે છે. આવી જ ટ્રિક સાથે બંને જાદુગરો અયોધ્યા તરફ રવાના થયા છે.

