ટ્રૂકૉલરના AI અસિસ્ટન્ટના કૉમ્બિનેશનથી હવે યુઝરનો વૉઇસ જ AI અસિસ્ટન્ટનો વૉઇસ બની જશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ટ્રૂકૉલર ઍપની મદદથી સામાન્ય કૉલ, પ્રાયોરિટી કૉલ, સ્પૅમ કે બિઝનેસ કૉલ વચ્ચેનો ભેદ સમજી શકાય છે. વળી સ્કૅમર, સ્પૅમ કૉલર અથવા તો કોઈ પણ શંકાસ્પદ નંબર પરથી આવનારા કૉલને રોકી શકાય છે, પણ હવે ટ્રૂકૉલરનું નવું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર તમારા અવાજમાં તમને ફોન કરનારા કૉલર સાથે વાત પણ કરશે. ટ્રૂકૉલરે AI અસિસ્ટન્ટ ફીચર ૨૦૨૨માં શરૂ કર્યું હતું. એમાં ઑટોમૅટિક કૉલ આન્સરિંગ, ફિલ્ટર કૉન્વર્સેશન, એક્સેપ્ટિંગ મેસેજ અને કૉલ રેકૉર્ડિંગ જેવાં ફીચર ઉપલબ્ધ છે. હવે ટ્રૂકૉલરે માઇક્રોસૉફ્ટ કંપનીના સહયોગમાં AI ફીચર તૈયાર કર્યું છે. એ સ્માર્ટફોનમાં પર્સનલ AI અસિસ્ટન્ટ તરીકે કામ પણ કરશે. જોકે હાલમાં આ ફીચર માત્ર પ્રીમિયમ યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. આ ફીચરથી તમને ફોન કરનાર કૉલર ડિજિટલ અસિસ્ટન્ટના સ્થાને તમારો અવાજ સાંભળશે. આ ફીચરમાં યુઝર AI અસિસ્ટન્ટના અવાજને બદલે તેમના ખુદના અવાજનો ઉપયોગ કરી શકશે. આ AI અસિસ્ટન્ટ યુઝર વતી ફોન રિસીવ કરશે અને યુઝરના અવાજમાં જ વાત કરશે. જો યુઝરના સ્માર્ટફોનમાં અસિસ્ટન્ટ હોય તો માઇક્રોસૉફ્ટના પર્સનલ વૉઇસ ટેક્નૉલૉજી અને ટ્રૂકૉલરના AI અસિસ્ટન્ટના કૉમ્બિનેશનથી હવે યુઝરનો વૉઇસ જ AI અસિસ્ટન્ટનો વૉઇસ બની જશે. આ અવાજ યુઝરના અવાજ જેવો જ હશે. આ ફીચર વિવિધ માર્કેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.


