Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બારમા માળની ફ્લૅટની બારીમાંથી લટકી ત્રણ વર્ષની બાળકી, પાડોશીએ નીચે સ્ટૂલ ટેકવીને બચાવી

બારમા માળની ફ્લૅટની બારીમાંથી લટકી ત્રણ વર્ષની બાળકી, પાડોશીએ નીચે સ્ટૂલ ટેકવીને બચાવી

Published : 22 October, 2026 04:14 PM | Modified : 22 October, 2026 04:23 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનના ફુજિયન પ્રાંતમાંથી રૂંવાડાં ઊભાં કરી દેનારી એક ઘટના સામે આવી છે, જ્યાં બારમા માળના ફ્લૅટની બારીમાંથી ૩ વર્ષની માસૂમ બાળકી નીચે લટકી પડી હતી. બાળકીનું માથું બારીની સેફ્ટી ગ્રિલના સળિયા વચ્ચે ફસાઈ ગયું હતું અને તેનું આખું શરીર હવામાં ઝૂલી રહ્યું.

બારીમાં લટકી ત્રણ વર્ષની બાળકી

અજબ ગજબ

બારીમાં લટકી ત્રણ વર્ષની બાળકી


ચીનના ફુજિયન પ્રાંતમાંથી રૂંવાડાં ઊભાં કરી દેનારી એક ઘટના સામે આવી છે, જ્યાં બારમા માળના ફ્લૅટની બારીમાંથી ૩ વર્ષની માસૂમ બાળકી નીચે લટકી પડી હતી. બાળકીનું માથું બારીની સેફ્ટી ગ્રિલના સળિયા વચ્ચે ફસાઈ ગયું હતું અને તેનું આખું શરીર હવામાં ઝૂલી રહ્યું હતું. આ ભયાનક દૃશ્ય જોઈને નીચેના માળે રહેતા પાડોશીઓ અને સિક્યૉરિટી ગાર્ડ્સે સમયસૂચકતા વાપરીને બારીમાંથી હાથ લંબાવીને લાકડાનું સ્ટૂલ બાળકીના પગ નીચે ટેકવી દીધું હતું જેથી તે નીચે ખાબકતાં બચી ગઈ હતી.

ઝાંગપિંગ શહેરની એક સોસાયટીમાં સવારે આશરે પોણાઆઠ વાગ્યે આ ઘટના બની હતી. બાળકીના પપ્પા ઑફિસ ગયા હતા, જ્યારે તેની મમ્મી બાળકી ઊંઘતી હોવાથી તેને ઘરમાં એકલી મૂકીને બહાર શાકભાજી લેવા ગઈ હતી. ઊંઘમાંથી જાગ્યા બાદ બાળકી બારી પાસે પહોંચી હતી અને સેફ્ટી ગ્રિલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. તેનું માથું સળિયા વચ્ચે ફસાઈ ગયું અને આખું શરીર બારમા માળેથી હવામાં લટકી ગયું. બાળકી બન્ને હાથે સળિયા પકડીને જીવ બચાવવા તરફડિયાં મારી રહી હતી. સામેના બિલ્ડિંગના લોકોની નજર પડતાં જ તેમણે બૂમાબૂમ કરી હતી. સિક્યૉરિટી ગાર્ડ્સ અને પાડોશીઓ અગિયારમા માળે આવેલા ફ્લૅટમાં પહોંચ્યા. બે યુવાનોએ અગિયારમા માળની બારીમાંથી અડધા બહાર ઝૂકીને પોતાના હાથમાં એક સ્ટૂલ ઊંચું પકડી રાખ્યું. આ સ્ટૂલ બારમા માળે લટકતી બાળકીના પગ નીચે ટેકવી દેવામાં આવ્યું, જેથી તેના ગળા પરથી ખેંચાણ ઓછું થયું અને તે થાકીને નીચે પડતાં બચી ગઈ. ફાયર-બ્રિગેડ ન આવે ત્યાં સુધી આ લોકોએ જીવના જોખમે સ્ટૂલ પકડી રાખ્યું હતુ. થોડી જ વારમાં ફાયર-ફાઇટર્સ પહોંચી ગયા હતા અને તેમણે બારમા માળના ફ્લૅટનો મુખ્ય દરવાજો તોડીને બારીની ગ્રિલમાંથી બાળકીનું માથું સાવચેતીપૂર્વક બહાર કાઢી લીધું હતું.



ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરનું કબરસ્તાન છે આ


આપણે ત્યાં છેલ્લાં ૫-૭ વર્ષમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સનું ચલણ વધ્યું છે, પરંતુ ચીન આ બાબતમાં ખૂબ પ્રગતિશલ હતું. છેક ૨૦૧૦ની સાલમાં અહીં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ રેન્ટલની શરૂઆત થઈ હતી. ઈ-બાઇક, ઈ-સ્કૂટર અને ઈ-બાઇસિકલ શૅરિંગ પૉઇન્ટ્સનો રાફડો ફાટ્યો હતો. એ વખતે શરૂઆતમાં આ સિસ્ટમની બહુ સરાહના થઈ હતી, પરંતુ થોડા જ સમયમાં આ નવાં-નવાં સ્ટાર્ટઅપ્સ નાદાર થઈ ગયાં હતાં. હાલમાં લગભગ ૧૫ વર્ષ પછી ચીનમાં બગડેલાં, તૂટી ગયેલાં, ન ચાલતાં અને ડિડીફેક્ટિવ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સનો રાફડો ફાટ્યો છે. ચીનના યુએચેન્ગ જિલ્લામાં લિટરલી એને એક જગ્યાએ ડમ્પ કરવામાં આવ્યાં છે. લાખોની સંખ્યામાં યલો અને બ્લુ રંગના બ્રાઇટ વાહનોના ખડકડાથી રૂપકડું દેખાતું આ ટૂ-વ્હીલર્સનું કબરસ્તાન છે.


દુલ્હાએ પોતાના લગ્ન-સમારંભમાં પાળેલી ભેંસોને પણ આમંત્રણ આપ્યું

એક ભારતીય દુલ્હાએ લગ્નને ખાસ બનાવવા માટે તેણે પાળેલી ભેંસોને પણ લગ્ન-સમારંભના મંડપમાં આમંત્રી હતી. ભેંસોનું એક ઝૂંડ લગ્નમંડપમાં પ્રવેશ્યું હતું. સજાવેલા મંડપમાં ભેંસો પણ અન્ય મહેમાનોની સાથે જ ઊભી રહી હતી અને લગ્નની વિધિની સાક્ષી બની હતી. આ વિડિયોમાં સફેદ શેરવાની અને લાલ પાઘડીમાં સજ્જ દુલ્હો તેના ખેતરમાં રહેતી પ્યારી ભેંસોને રંગબેરંગી પડદાથી સજાવેલા મંડપમાં આવકારતો જોવા મળે છે.

મસ્કતના બીચ પાસે જોવા મળી પિન્ક ડૉલ્ફિન

ઓમાનના મસ્કતમાં ખંતાબ બીચના કિનારા પાસે દરિયામાં વૉટર-સ્પોર્ટ્સનો લહાવો લઈ રહેલા કેટલાક સહેલાણીઓને એકદમ બ્રાઇટ પિન્ક રંગની ડૉલ્ફિન જોવા મળી હતી. સહેલાણીઓ બોટ-રાઇડ દરમ્યાન વિડિયો રેકૉર્ડ કરી રહ્યા હતા ત્યારે અચાનક દરિયાની સપાટી પર ગુલાબી રંગની ડૉલ્ફિને છલાંગ લગાવી હતી. સ્થાનિક પ્રાણીનિષ્ણાતોનું માનવું છે કે આ રિસોઝ ડૉલ્ફિન હોય એવી સંભાવના છે. સામાન્ય રીતે ગુલાબી ડૉલ્ફિન ઍમઝૉન નદીના મીઠા પાણીમાં જોવા મળે છે, પરંતુ એ ઓમાનના તટ પર એટલે કે અરબ સાગરમાં જોવા મળી એ ઘટના જવલ્લે જ બને છે.

રિયલ ફૂલો અને સિરૅમિક કળાનો અદ્ભુત સમન્વય

કૅલિફૉનિયામાં રહેતી ડીના કૉવેની નામની મહિલાના આર્ટ-સ્ટુડિયોની બહાર સુંદર રંગબેરંગી ફૂલો ઊગે છે. આ ફૂલોને તેણે સિરૅમિકના પૉટ્સમાં કન્વર્ટ કર્યાં છે. ફૂલો કઈ રીતે સિરૅમિકમાં સમાય? એવો સવાલ થતો હોય તેમના માટે ડીનાનું ઇન્ટાગ્રામ અકાઉન્ટ આ પ્રક્રિયા કઈ રીતે થાય છે એના વિડિયોથી ભરેલું છે. તેનો એક જ નિયમ છે કે એવો જ આર્ટ-પીસ બનાવવો જે તેના બગીચામાં ઊગેલાં ઝાડપાન અને ફૂલોથી પ્રેરિત હોય. તે અસલી ફૂલ તોડીને કાચી માટી પર એની છાપ લે છે અને પછી હૂબહૂ એવા જ રંગોથી એના પર પેઇન્ટિંગ કરે છે. એ પેઇન્ટિંગ થયા પછી માટીના એ લોંદાને તે શેપ આપે છે અને અત્યંત હળવી ભઠ્ઠીમાં એને એવી રીતે શેકે છે જેથી એના પર દોરાયેલાં ચિત્રોનો રંગ વધુ નિખરી આવે.

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 04:23 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK