ટિકિટ ત્રણ વર્ગમાં વહેંચાયેલી હશે; જેમાં ટૂરિસ્ટ ક્લાસ, બિઝનેસ ક્લાસ અને પાઇલટ ક્લાસ હશે

૮૦૦ મુસાફરોની કૅપેસિટીવાળું ફ્લાઇંગ હોટેલ જેવું વિમાન
બોઇંગ ૭૪૭ વિમાન ૪૫૭ મુસાફરોને લઈ જઈ શકે છે, પણ પ્રોગ્રેસ ઇગલ તરીકે જાણીતી વિમાનની ડિઝાઇન હોટેલ જેવી વિચારવામાં આવી છે, જે ૮૦૦ મુસાફરોને લઈ જઈ શકે છે. એમાં ૬ એન્જિન હશે. મુસાફરો માટે એક સ્થળ એવું પણ હશે જ્યાંથી તેઓ પૅનોરૅમિક વ્યુ લઈ શકે છે. વળી સોલર પાવરને કારણે એ અનિશ્ચિત સમય સુધી હવામાં રહી શકશે. પ્રોગ્રેસ ઈગલનું બીજું એક વન ફ્લાઇટ વર્ઝન હશે, જેમાં કતારબંધ સીટને બદલે કૅબિન હશે. એને કારણે મુસાફરો ક્રૂઝની જેમ વિશ્વભરનાં વિવિધ સ્થળોનો આનંદ માણી શકશે. વળી વિમાનમાં રેસ્ટોરાં, સ્પા, સિનેમા, દુકાનો અને કસીનો જેવી સુવિધા પણ હશે. જોકે એમાં ૮૦૦ને બદલે માત્ર ૩૦૦ મુસાફરો જ હશે. આ પ્રકારના વિમાનની સૌથી મોટી ખાસિયત વિમાનના આગળના ભાગમાં આવેલી પૅનોરૅમિક વ્યુઇંગ લાઉન્જ છે.
મુસાફરો પાઇલટ ક્લાસ ટિકિટ લઈ શકશે. ટિકિટ ત્રણ વર્ગમાં વહેંચાયેલી હશે; જેમાં ટૂરિસ્ટ ક્લાસ, બિઝનેસ ક્લાસ અને પાઇલટ ક્લાસ હશે. જોકે દરેક માટે આરામદાય મુસાફરી હશે. આ વિમાનની પાંખ ૨૬૩ ફુટ લાંબી હશે, જે વર્તમાન કમર્શિયલ વિમાન કરતાં મોટી હશે. આ પ્રકારના વિમાનના ડિઝાઇનર સ્પેનના ઑસ્કર વિનાલ્સ કહે છે કે આ એક ભવિષ્યનું પ્લેન છે જે ૨૦૩૦ પછી સહેલાઈથી ઉપલબ્ધ હશે. પ્લેનમાં ઈંધણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવશે. પાંખમાં તથા છત પર સોલર પૅનલ હશે. બૅટરીને સતત ચાર્જ રાખવા બોર્ડ પર વિન્ડ ટર્બાઇન હશે.