નેહાએ પ્રભાકરને તેની સાથે કોર્ટ-મૅરેજ કરી લેવા માટે તાકીદ કરી છે, અન્યથા તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના જાલૌનના કૌંચ નગરની આશીર્વાદ હોટેલમાં ૯ મેએ પ્રભાકર નામના યુવાનનાં લગ્ન થઈ રહ્યાં હતાં ત્યારે નેહા પ્રજાપતિ નામની એક મહિલા તેની ગોદમાં એક બાળકને લઈને પહોંચી હતી અને આરોપ લગાવ્યો હતો કે તેનાં અને પ્રભાકરનાં લગ્ન થઈ ગયાં છે અને તેમને એક સંતાન પણ છે. નેહાએ આરોપ લગાવ્યા બાદ પ્રભાકર સાથે લગ્ન કરવા આવેલી દુલ્હને ક્ષણમાં જ આ સંબંધ તોડી નાખ્યો હતો અને તેના પરિવારજનો સાથે ઘરે જતી રહી હતી. નેહાએ જતાં પહેલાં પોલીસ-સ્ટેશનમાં પ્રભાકર સામે છેતરપિંડી અને દહેજ માગવાની ફરિયાદ પણ નોંધાવી હતી. નેહા પ્રજાપતિએ આરોપ લગાવ્યો હતો કે ‘લગ્નની લાલચ આપીને પ્રભાકરે મારી સાથે શારીરિક સંબંધ બનાવ્યો હતો. હું પાંચ વર્ષથી તેની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં છું. અમે લગ્ન કર્યાં છે અને અમને એક સંતાન પણ છે. બાળકના આધાર કાર્ડમાં પિતા તરીકે પ્રભાકરનું નામ છે. પ્રભાકરે મને દગો આપ્યો છે અને ફરી તે લગ્ન કરી રહ્યો છે.’ નેહાની આ વાત સાંભળીને લોકો સ્તબ્ધ રહી ગયા હતા. નેહાની આ વાત સાંભળીને પ્રભાકરની થનારી દુલ્હને પણ લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને પ્રભાકરના વિરોધમાં ફરિયાદ નોંધાવી હતી. ન્યાય અપાવવાની માગણી સાથે નેહાએ પોલીસ-સ્ટેશનમાં જ અડ્ડો જમાવ્યો હતો અને તેની તબિયત લથડતાં તેને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. નેહાએ પ્રભાકરને તેની સાથે કોર્ટ-મૅરેજ કરી લેવા માટે તાકીદ
કરી છે, અન્યથા તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

