મંદિરમાં દર્શનાર્થીઓ અને પૂજારીઓ વાઇરસથી મુક્તિ માટે કોરોનાદેવી તેમના પર દયા કરે એ હેતુથી સતત પ્રાર્થના કરે છે
કોરોનાદેવીની મૂર્તિ
કોઇમ્બતુરમાં કામાચીપુરી અધિનમ મંદિરમાં કોવિડ-19 વાઇરસથી લોકોના રક્ષણ માટે કોરોનાદેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. મંદિરના મૅનેજર અને પૂજારી આનંદ ભારતીએ એએનઆઇને કહ્યું હતું કે કોઇમ્બતુરમાં કોવિડના કેસમાં વધારો થતાં મંદિરના પૂજારીઓએ લોકોનું રક્ષણ કરવા માટે કોરોનાદેવીની મૂર્તિ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો અને અે નિર્ણયનો અમલ કર્યો છે.
મંદિરમાં દર્શનાર્થીઓ અને પૂજારીઓ વાઇરસથી મુક્તિ માટે કોરોનાદેવી તેમના પર દયા કરે એ હેતુથી સતત પ્રાર્થના કરે છે તેમ જ ‘કોરોનાદેવી દયા કરો...’નો મંત્રજાપ કરે છે. મંદિરના પૂજારીઓએ દેવીની દયાદૃષ્ટિ માટે બે દિવસની પૂજા પણ રાખી હતી. જોકે એ દરમ્યાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની કાળજી રાખવામાં આવી હતી. તામિલનાડુમાં જીવલેણ રોગથી બચવા માટે દેવીની પૂજા કરવાની પરંપરા રહી છે. ૧૯૦૦ની સાલની શરૂઆતમાં જ્યારે પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે પણ અહીંના રહેવાસીઓએ પ્લેગ મરિયમ્મા મંદિરમાં પ્રાર્થના કરી હતી.


