જ્યોતિષીના રવાડે ચડીને પોતાની જ દીકરીનો જીવ લેનાર મમ્મીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. કિસ્સો તેલંગણનો છે. બી. ભારતી નામની ૩૨ વર્ષની મહિલાએ ૨૦૨૧માં સર્પદોષથી મુક્તિ મેળવવા માટે તંત્રમંત્રનો સહારો લીધો હતો.
પ્રતીકાત્મક તસવીર
જ્યોતિષીના રવાડે ચડીને પોતાની જ દીકરીનો જીવ લેનાર મમ્મીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. કિસ્સો તેલંગણનો છે. બી. ભારતી નામની ૩૨ વર્ષની મહિલાએ ૨૦૨૧માં સર્પદોષથી મુક્તિ મેળવવા માટે તંત્રમંત્રનો સહારો લીધો હતો. ભારતી પહેલેથી જ માનસિક રીતે સ્વસ્થ નહોતી એવું તેનો પતિ કૃષ્ણા કહે છે. જોકે કૃષ્ણાની સહેજ લાપરવાહીને કારણે દીકરીએ જીવ ગુમાવવો પડ્યો હતો. ૨૦૨૧માં પોતાના બેડરૂમમાં જ ભારતીએ સાત મહિનાની દીકરી પર પૂજા કરીને તેનો બલિ ચડાવ્યો હતો. તેણે પૂજા કરતી વખતે જ્યોતિષીના કહેવા મુજબ પોતાના પર અને દીકરી પર કંકુ-હળદર છાંટ્યાં અને પછી દીકરીનું ગળું ચીરીને હત્યા કરી દીધી. આ ઘટના વખતે બીમાર સસરા ઘરમાં જ હતા. બાળકીની કારમી ચીસો સાંભળીને તેમણે પરિવારજનોને એકઠા કરી લીધા હતા. પરિવારજનો તરત જ દીકરીને હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પણ તેનો જીવ બચ્યો નહોતો. બલ્કે ત્યાં ખબર પડી હતી કે ગરદન ચીરવાની સાથે માએ તેની જીભનો ટુકડો પણ કાપી લીધો હતો. પોલીસ ભારતીને પકડવા આવી ત્યારે તેણે કહ્યું હતું કે ‘દીકરીનો બલિ આપીને સર્પદોષથી મુક્તિ મેળવી છે.’ આ ઘટના પછી ૨૦૨૩માં ભારતીએ તેનો પતિ સૂતો હતો ત્યારે તેના પર વજનદાર પથ્થર મારીને હુમલો કર્યો હતો. તાજેતરમાં તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આ ઘટનાને રૅરેસ્ટ ઑફ રૅર ગણીને આરોપી મમ્મીને મોતની સજા સંભળાવી છે. ભારતીને હાલમાં હૈદરાબાદની ચંચગુડા મહિલા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવી છે.

