ડૉક્ટરોનું કહેવું હતું કે અમે જાણતા હતા કે કોઈ તંત્રવિદ્યા મડદાને બેઠું નથી કરી શકતી, પણ પરિવારજનોની ભાવના સામે અમારે ઝૂકવું પડ્યું.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
બિહારમાં ૧૫ વર્ષનો ટીનેજર સાપ કરડવાથી મૃત્યુ પામ્યો હતો. અકસ્માત મૃત્યુને કારણે સિવિલ હૉસ્પિટલમાં તેનું પોસ્ટમૉર્ટમ કરવાનું હતું. જોકે પરિવારજનો કોઈ તાંત્રિકને લઈને આવ્યા જે દાવો કરતો હતો કે તે સાપ કરડવાથી મૃત્યુ પામેલા કિશોરને ફરી જીવતો કરી શકે છે. પરિવારજનોની અવાસ્તવિક અને અંધશ્રદ્ધાભરી વાત હોવા છતાં ડૉક્ટરોએ તેમની વાત માનવી પડી. પોસ્ટમૉર્ટમ રૂમની બહાર જ તાંત્રિકે કિશોરના શરીરને જમીન પર સૂવડાવીને તંત્ર-મંત્ર અને ઝાડ-ફૂંકની પ્રક્રિયા શરૂ કરી દીધી. લગભગ અડધો કલાક સુધી તેણે ઝાડુ ફેરવ્યું, શબની છાતી પર દબાણ આપ્યું, નસ ચેક કરી. ગમછાનો કોરડો બનાવીને તેના શબ પર ફેરવ્યો. બીજા કેટલાક લોકો શબના પગનાં તળિયે માલિશ કરવા લાગ્યા. જોકે આ બધું ચાલતું હતું ત્યારે પોસ્ટમૉર્ટમ રૂમની બહાર બહુ મોટી સંખ્યામાં ભીડ જમા થઈ ગઈ. આખરે બેકાબૂ થતી ભીડની સામે તાંત્રિકે હથિયાર હેઠાં મૂકી દીધાં. જ્યારે કંઈ જ ન થયું ત્યારે તાંત્રિકે કહ્યું કે હું તો બચ્ચાને જીવિત કરી દેત, પણ ડૉક્ટરોએ તેને સલાઇન બૉટલ ચડાવી દીધી હોવાથી તેની ઊર્જા બાધિત થઈ ગઈ છે. ત્યાં હાજર ડૉક્ટરોનું કહેવું હતું કે અમે જાણતા હતા કે કોઈ તંત્રવિદ્યા મડદાને બેઠું નથી કરી શકતી, પણ પરિવારજનોની ભાવના સામે અમારે ઝૂકવું પડ્યું.


